લંડનઃ ટોરી પાર્ટીના ૧૫ બળવાખોર સાંસદોએ ઈયુ છોડવા માટેની તારીખ કાયદામાં સામેલ કરવા વિરુદ્ધ મતદાન કરવાની ધમકી આપી છે, જે આગામી મહિનાના મતદાનમાં કોમન્સમાં થેરેસા મેની પાતળી બહુમતી માટે મુશ્કેલી સર્જી શકે છે. બળવાખોરોની સંખ્યા વધીને ૨૦ થવાની શક્યતા છે પરંતુ, મિનિસ્ટર્સે તેમને સમજાવી લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. ટોરી બળવાખોરોએ પાર્ટીના વ્હીપ્સને સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ ઈયુ છોડવાની તારીખ મુદ્દે સરકાર વિરુદ્ધ મતદાન કરી શકે છે. આ વલણ બદલ તેમને ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ થયો છે.
વર્ષો અગાઉ બ્રિટને યુરોપિયન કોમ્યુનિટીમાં પ્રવેશ લીધો તે ૧૯૭૨ના કાયદાને નાબૂદ કરનારી જોગવાઈ વિરુદ્ધ મંગળવારે તમામ પક્ષોના કુલ ૬૮ સાંસદોએ મત આપ્યો હતો, જેમાં લેબર પાર્ટીના ૧૯, સ્કોટિશ નેશનલ પાર્ટીના ૩૪, લિબરલ ડેમોક્રેટ્સના ૯, પ્લેઈડ સીમરુના ચાર, ગ્રીન પાર્ટી અને અપક્ષના એક-એક સાંસદનો સમાવેશ થયો હતો.
બળવાખોર ટોરી સાંસદોએ બ્રેક્ઝિટ પ્રક્રિયાને ખોરંભે પાડવા યુરોપિયન યુનિયન વિથ્ડ્રોઅલ બિલમાં ૧૯ સુધારા મૂક્યા છે. બળવાખોરોમાં થેરેસા મે દ્વારા હકાલપટ્ટી કરાયેલાં પૂર્વ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગન અને પૂર્વ બિઝનેસ મિનિસ્ટર અન્ના સોબ્રીનો સમાવેશ થાય છે.


