બ્રેક્ઝિટને લીધે કરી ઉદ્યોગના વળતાં પાણી...૧,૦૦૦ રેસ્ટોરાં બંધ

આનંદ પિલ્લાઈ Wednesday 16th November 2016 06:17 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ લીવ કેમ્પેઈનરોએ દૂરંદેશી દાખવીને જ કદાચ બ્રિટનના £૪ બિલિયનના કરી ઉદ્યોગના મતદારોને લોભાવવા માટે સાઉથ એશિયનોને વધારે વિઝા મંજૂર કરવાની લાલચ આપી હશે. તેથી આ ઉદ્યોગે બ્રેક્ઝિટ વોટમાં તેમને મદદ પણ કરી. પરંતુ, લીવ છાવણીનાં રાજકારણીઓ ઈમિગ્રેશન બાબતે આપેલું આ વચન પાળવામાં સાવ નિષ્ફળ ગયા. સરવાળે એવી સ્થિતિ ઉભી થઈ કે શેફની તંગીને લીધે કરી હાઉસના માલિકોએ તેમનો આ વ્યવસાય જ છોડી દીધો છે. એક સર્વે મુજબ છેલ્લાં ૧૮ મહિનામાં ૧,૦૦૦ કરતાં વધુ રેસ્ટોરાં કાયમી બંધ થતાં લાઈસન્સ ધરાવતી રેસ્ટોરાંની સંખ્યા ૧૩ ટકા ઘટી છે.

કરી હાઉસના માલિકો વિદેશી શેફને જોબ પર રાખવામાં તકલીફ અનુભવી રહ્યા છે અને ઘણા કરી હાઉસ બંધ થવાના આરે છે તેવા સંજોગોમાં હાલની સરકારે ઈમિગ્રેશન પર બોલાવેલી તવાઈથી તેઓ ખૂબ ચિંતામાં મૂકાયા છે. હાલ તેમને વિદેશી શેફના વિઝા માટે સરકારને દર વર્ષે ઓછામાં ઓછા £૨૯,૫૭૦ ચૂકવવા પડે છે. વિઝાની અરજીઓ પણ વારંવાર રિજેક્ટ થતી હોય છે અને સ્ટાફની શોર્ટેજ રેસ્ટોરાં બંધ થવાનું મુખ્ય કારણ છે.

અગ્રણી લીવ કેમ્પેઈનર અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે અગાઉ જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ વોટથી નોન-ઈમિગ્રેશન નિયમો હળવા બનાવાશે અને બ્રિટિશ કરી હાઉસીસને ‘બચાવી લેવાશે’.

કરી ઉદ્યોગને આશા હતી કે ઓસ્ટ્રેલિયા જેવી નવી પોઈન્ટ સ્ટાઈલની ઈમિગ્રેશન સિસ્ટમ તેમની વહારે આવશે અને ભારત તથા બાંગ્લાદેશ જેવા દેશોથી તેઓ વધુ કર્મચારીઓની ભરતી કરી શકશે. પરંતુ, થેરેસા મેએ તેમની બધી આશા પર પાણી ફેરવી દીધું. વડાપ્રધાન બન્યા પછીની પ્રથમ જાહેરાતમાં તેમણે આ સિસ્ટમ લાગુ કરવાથી ઈમિગ્રેશનનું પ્રમાણ વધી જશે તેમ જણાવીને તેને નકારી કાઢી હતી. તેમાં પણ હોમ સેક્રેટરી એમ્બર રડે એકંદરે માઈગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનું વચન આપીને બળતામાં ઘી હોમ્યું છે.

બ્રેક્ઝિટ માટે પ્રચાર કરનારા બાંગ્લાદેશ કેટરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પાશા ખાંડેકરે જણાવ્યું હતું કે, હું ખૂબ જ નિરાશ થયો છું કારણ કે શાસક પક્ષના બોરિસ જહોન્સન, માઈકલ ગોવ, પ્રીતિ પટેલ જેવા અગ્રણીઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ઈમિગ્રેશન માટે ઓસ્ટ્રેલિયા જેવી પોઈન્ટ સિસ્ટમ લાગુ કરશે. મારી સંસ્થાએ કેટલાક કારણસર બ્રેક્ઝિટને સમર્થન આપ્યું હતું પરંતુ, મુખ્ય કારણ તો અમારા ઉદ્યોગને બચાવવા માટે વિદેશથી કર્મચારીઓને લાવવાનું હતું.’

લો ફર્મ હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સના ક્રિસ પાર્સન્સે જણાવ્યું હતું કે,‘ અમે યુરોપિયન નાગરિકો માટે ઈમિગ્રેશન બંધ કરીએ છીએ અને મોટી સંખ્યામાં ચીની અને ભારતીયોને યુકેમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરીએ છીએ તેમ કહેવાનું થેરેસા મે અને સરકારના અન્ય સત્તાધીશો માટે રાજકીય રીતે ખૂબ કપરું બની શકે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter