બ્રેડ, દૂધ અને ચીઝની કિંમતોમાં મોટો વધારો થવાની શક્યતા

ગેસની કિંમતો, યુક્રેન યુદ્ધ ભાવવધારા માટે જવાબદાર

Wednesday 17th August 2022 05:39 EDT
 
 

લંડન

દેશમાં આગામી મહિનાઓમાં બ્રેડ, દૂધ અને ચીઝની કિંમતોમાં જોરદાર વધારો થવાની ચેતવણી ઇન્ડસ્ટ્રીના અગ્રણીએ ઉચ્ચારી છે. ફૂડ એન્ડ ડ્રિન્ક ફેડરેશનના સીઇઓ કેરેન બેટ્સે જણાવ્યું હતું કે, ઉત્પાદનની કિંમતમાં મોટો વધારો થવાના કારણે ફૂડ કંપનીઓને ફૂડ આઇટમ્સની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. આગામી વર્ષ સુધી પરિવારોના ગ્રોસરી બિલમાં સતત વધારો થતો રહેશે. કેરેને જણાવ્યું હતું કે, બ્રેડ અને બિસ્કીટ જેવી બેકરી આઇટમોની કિંમતોમાં સૌથી વધુ કિંમત વધવાની શક્યતા છે કારણ કે બેકરીઓ ઉત્પાદન માટે ગેસથી ચાલતા ઓવનનો ઉપયોગ કરે છે. ગેસની કિંમત અત્યારે રેકોર્ડ સ્તર વટાવી રહી છે તેથી પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થઇ રહ્યો છે. તે ઉપરાંત બેકરી ઉત્પાદકો યુક્રેનથી આયાત થતા ઘઉંના સૌથી મોટા વપરાશકારો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આ આયાતો પર પણ વિપરિત અસર થતી હોવાના કારણે બેકરી ઉદ્યોગને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, દૂધ, ચીઝ અને બટર જેવા ડેરી ઉત્પાદનોની કિંમતોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ફુગાવાના કારણે લો ફેટ દૂધની કિંમતમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. મેટલની કિંમતમાં વધારો થવાના કારણે ટિનપેક ગૂડ્સની કિંમતમાં પણ વધારો થયો છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં ફૂડ આઇટમો પર પણ કિંમતોનું દબાણ સર્જાયું છે. સુપરમાર્કેટોમાં ખરીદી મોંઘી બની રહી છે. હાલ ભાવમાં ઘટાડો થવાના કોઇ સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter