બ્રેડફર્ડ અને કોવેન્ટ્રી, યુરોપના સૌથી ખતરનાક શહેરોમાં અગ્રક્રમે

Friday 16th September 2022 06:36 EDT
 

લંડનઃ યુરોપના સૌથી ખતરનાક શહેરોમાં યુકેના બે શહેર બ્રેડફર્ડ અને કોવેન્ટ્રીનો સમાવેશ થયો છે. એક્સપેટ્રિએટ કન્સલ્ટન્સીના એક અભ્યાસ મુજબ યુરોપના ખતરનાક શહેરોના અનિચ્છનીય ટાઈટલ્સમાં યોર્કશાયરના બ્રેડફર્ડ શહેરને પ્રથમ અને વેસ્ટ મિડલેન્ડ્સના કોવેન્ટ્રીને બીજો ક્રમ અપાયો છે.

આ અભ્યાસમાં યુરોપના શહેરોમાં ગત ત્રણ વર્ષના ક્રાઈમ રેટનું વિશ્લેષણ કરાયું છે અને તે મુજબ ઈન્ડેક્સ વેલ્યુ અપાઈ છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખતરનાક 30 શહેરોમાં સ્થાન ધરાવતા બ્રેડફર્ડને 71ની ઈન્ડેક્સ વેલ્યુ અપાઈ છે અને તેનો ક્રાઈમ રેટ પ્રતિ 1000 વ્યક્તિ 146 અપરાધનો છે. કોવેન્ટ્રીમાં ગત વર્ષે પ્રતિ 1000 વ્યક્તિ 102અપરાધનો ક્રાઈમ રેટ હતો.

બ્રેડફર્ડના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ રોબ મેકકોઉબ્રેએ જણાવ્યું હતું કે વેસ્ટ યોર્કશાયર પોલીસ આ ડેટાને માન્ય ગણતી નથી તેમજ કોઈ પદ્ધતિ ખંડો, દેશો અને શહેરો વચ્ચે વિશ્વસનીય સરખામણી કેવી રીતે કરી શકે તેને સ્વીકારતી નથી. બ્રેડફર્ડ રહેવાં, કામ કરવાં અને મુલાકાત લેવાં માટે સુરક્ષિત સ્થળ છે. અન્ય કોઈ પણ શહેરની માફક વંચિતતા અને ગરીબી હોય ત્યારે પડકારો પણ ચોક્કસ રહે છે. ગત ત્રણ વર્ષમાં બ્રેડફર્ડમાં નાઈફ ક્રાઈમમાં 19 ટકા અને ઘરફોડ ચોરીમાં 57 ટકાનો ઘટાડો થયેલો છે. આ અભ્યાસ બ્રેડફર્ડને અદ્ભૂત સિટી બનાવતાં ઘણાં લક્ષણો વિશે જણાવવામાં નિષ્ફળ રહ્યો છે તે નિરાશાજનક બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter