બ્રેડફર્ડમાં ખાણીપીણી સિવાયના માર્કેટ બંધ

Wednesday 25th March 2020 03:43 EDT
 

લંડનઃ બ્રેડફર્ડકાઉન્સિલ દ્વારા ખાણીપાણી સિવાયના તમામ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા કિર્કગેટ માર્કેટ સહિત ઓસ્ટલર સેન્ટર અને કેઇગ્લી માર્કેટમાં આવેલા તમામ નોન-ફૂડ સ્ટોલ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ અપાયો છે જેથી અહીં લોકોની ભીડ એકઠી ના થાય અને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના પ્રસારને અટકાવી શકાય.

સેન્ટ જેમ્સના હોલસેલ માર્કેટ તથા ઓસ્ટલર સેન્ટર અને કેઇગ્લી માર્કેટમાં તાજું ભોજન આપનારા સ્ટોલ ચાલુ રહેશે જેથી તાજા ખોરાકનો પુરવઠો મળી રહે. સત્તાવાળાઓ દ્વારા માર્કેટ ભાડાં અને સર્વિસ ચાર્જ સ્થગિત કરાયા છે.

તેમ છતાં જો કોઇ તાજું ખોરાક પૂરું પાડનાર વેપારી બંધ રાખવા ઇચ્છે તો તેને મંજૂરી અપાશે. અલબત્ત, કાઉન્સિલ ફ્રેશ ફૂડ માર્કેટ ખુલ્લું રહે તે માટેના તમામ પગલાં લેશે.

જીવલેણ કોરોના વાઇરસની યુકેના રિટેલ તથા બ્રાડફોર્ડ ડિસ્ટ્રીક્ટના નોન-ફૂડ માર્કેટ સ્ટોલને ગંભીર અસર થઇ છે. અહીં આવતા ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને વેચાણ પણ નીચું ગયું છે.

બીજી તરફ તાજા ખોરાકની માંગમાં વધારો થયો છે અને તે તરફ ગ્રાહકોનું પ્રમાણ પણ વધ્યું છે. સાથે કાઉન્સિલ દ્વારા સ્ટોલધારકોને તાકિદ કરાઈ છે કે ગ્રાહકો વચ્ચે બે મીટરનું અતંર રહે તે બાબતે તકેદારી રાખવી પડશે. લોકોએ એકબીજા વચ્ચે અંતર નહીં રાખતા સમગ્ર દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

કાઉન્સિલ તથા રીજનરેશન, આયોજન અને પરિહવનનો હવાલો સંભાળનારા એલેક્સ રોઝ-શોએ કહ્યું હતું કે કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા માટે શક્ય એટલા તમામ પગલાં લેવાઈ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter