લંડનઃ બ્રેડફોર્ડની એક સગીરાના વારંવાર થયેલા જાતીય શોષણના મામલામાં સંડોવાયેલા 15 નરાધમોની ગ્રૂમિંગ ગેંગને અદાલતે કુલ 188 વર્ષની જેલની સજા ફટકારી છે. આ તમામ આરોપીઓને વર્ષ 2007થી 2011 દરમિયાન આચરવામાં આવેલા કુલ 88 બળાત્કારના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ઘટના બની ત્યારે પીડિતાની ઉંમર માત્ર 14થી 18 વર્ષની રહી હતી. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા તમામ સંબંધિત ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ કેસની વિગતોના પ્રકાશન પર લાદવામાં આવેલા કાનૂની પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.
સજાની સુનાવણી બાદ પીડિતાએ જણાવ્યું હતું કે, આ શોષણે તેના મન પર ક્યારેય ન ભૂંસાય તેવા ઘા આપ્યા છે અને તેનું બાળપણ છીનવી લીધું હતું. આ કૃત્યમાં સામેલ પુરુષોએ મારી પાસેથી જે છીનવી લીધું છે તેને હું ક્યારેય શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આ ઘટનાએ મારા જીવનના લગભગ 20 વર્ષોને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા છે. કિશોરાવસ્થામાં વેઠેલી આ માનસિક અને શારીરિક યાતના તેના બાકીના જીવનભર મારી સાથે રહેશે.
અદાલતે યુસુફ ભટ્ટીને 17 વર્ષ, અનવર અઝીઝ, ઓમર તાજ અને ફૈઝલ રશીદને 15-15 વર્ષ અને અન્ય આરોપીઓને ગુનાની ગંભીરતાના આધારે 8 વર્ષથી લઈને 13 વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી હતી.


