લંડનઃ પાનની પિચકારીઓની સફાઇ માટે બ્રેન્ટ કાઉન્સિલને પ્રતિ વર્ષ 30,000થી વધુ પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે. સાઉથ ઇસ્ટ એશિયન સમુદાયમાં પાન અને તમાકુ ઘણા પ્રચલિત છે. વેમ્બ્લી અને આસપાસના વિસ્તારોમાં પાનની પિચકારીઓનું દુષણ અત્યંત ગંભીર છે. આખા વિસ્તારમાં તમને દુકાનો, પેવમેન્ટ્સ અને બિલ્ડિંગોની દિવાલો પર પાનની પિચકારીઓ જોવા મળશે. લોકો ટેલિફોન બોક્સ અને ફ્લાવર બેડ્સને પણ બક્ષતા નથી.
બ્રેન્ટ કાઉન્સિલે હવે આ સમસ્યાના ઉકેલ માટે ઝીરો ટોલરન્સ અપનાવવાની જાહેરાત કરી છે. કાઉન્સિલનું કહેવું છે કે પાનની પિચકારીઓના કારણે ન કેવળ આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ સાફસફાઇ પાછળ કાઉન્સિલને દર વર્ષે 30,000 કરતાં વધુ પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે. ઘણીવાર તો પાનની પિચકારીના ડાઘ દૂર પણ કરી શકાતા નથી.
આ દુષણને ડામવા હવે કાઉન્સિલ દ્વારા 3 થી 4 બરોમાં ચેતવણીના બેનર મૂકાયા છે અને ગંદકી ફેલાવનારાઓને 100 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાની ચેતવણી આપી છે. કાઉન્સિલર કૃપા શેઠે જણાવ્યું છે કે સડકો પર પાનની પિચકારીઓ મારીને ગંદકી ફેલાવનારા સામે અમે ઝીરો ટોલરન્સ અપનાવવાનું નક્કી કર્યું છે. અમે તેમને ઝડપીને દંડ ફટકારીશું.


