લંડનઃ તમાકુયુક્ત પાન અને મસાલા ખાઇને દિવાલો, સડકો અને અન્ય સ્થળોને પિચકારી મારીને લાલ કરનારા ફક્ત ભારતમાં જ નથી. પાન-મસાલા ખાવાની આદત ધરાવતા દક્ષિણ એશિયનો બ્રિટનમાં પણ હાહાકાર મચાવી રહ્યાં છે. બ્રેન્ટના એક કાઉન્સિલરે ચાવવાની તમાકુ પર પ્રતિબંધ મૂકવા સરકારને અપીલ કરી છે કારણ કે બ્રેન્ટની સડકો પાનની પિચકારીઓના કારણે લાલઘૂમ બની રહી છે. બ્રેન્ટની ઇમારતો, સડકો અને ફૂલો પર પણ જ્યાં ત્યાં પાનની પિચકારીના નિશાન નજરે પડે છે. બ્રેન્ટ અને તેમાં પણ વેમ્બલી વિસ્તારમાં પાન મસાલા ખાનારની સંખ્યા ઘણી મોટી છે.
વેમ્બલીના રહેવાસી રાકેશ કહે છે કે પાનની પિચકારીઓના કારણે સ્થાનિક સમુદાય પર મોટી અસર પડી રહી છે. કાઉન્સિલ સડકોને સાફ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાવેશ નામનો વ્યક્તિ છેલ્લા 30 વર્ષથી દરરોજ પાન ખાય છે. બપોર થતા સુધીમાં તો તે આઠ પાન ખાઇ જાય છે. ભાવેશ કહે છે કે મને પાન ખાવાથી શાંતિ મળે છે પરંતુ હું જ્યાં ત્યાં થૂંકતો નથી.
બ્રેન્ટ કાઉન્સિલમાં લિબરલ ડેમોક્રેટ કાઉન્સિલર એન્ટોન જ્યોર્જિયો કહે છે કે બ્રેન્ટમાં એવી કોઇપણ સડક નથી જ્યાંની દિવાલો પર પાનની પિચકારી જોવા ન મળે. આ દુષણ સામે પગલાં લેવાની જરૂર છે. કાઉન્સિલર પોલ લોર્બર કહે છે કે પાન ખાનારાઓ સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. તેમણે ચાવવાની તમાકુ પર સંપુર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.