બ્રેન્ટમાં પાનની પિચકારી મારનાર બે ગુજરાતીને એક-એક હજાર પાઉન્ડથી વધુનો દંડ

અક્ષિતકુમાર પટેલ અને હિતેશ પટેલે અગાઉ 100 પાઉન્ડનો દંડ ન ચૂકવતા કોર્ટે દંડની રકમ વધારીને 1,391 પાઉન્ડ કરી

Tuesday 24th March 2026 11:14 EDT
 
 

લંડનઃ બ્રેન્ટ કાઉન્સિલના પાનની પિચકારીના દુષણને ડામવા શરૂ કરેલા અભિયાન અંતર્ગત બે ગુજરાતીને એક-એક હજાર પાઉન્ડથી વધુનો દંડ કરાયો છે. નોર્થ વેસ્ટ લંડન મેજિસ્ટ્રેટ કોર્ટે એજવેરના રહેવાસી 31 વર્ષીય અક્ષિતકુમાર ભદ્રેશ પટેલને 1391 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. અક્ષિત કુમાર કેસની સુનાવણીમાં હાજર ન રહેતા તેની ગેરહાજરીમાં જ સજાની જાહેરાત કરાઇ હતી. 11 જૂન 2025ના રોજ કિંગ્સબરીમાં સડક પર પાનની પિચકારી મારવા માટે તેને દોષિત ઠેરવી 100 પાઉન્ડનો દંડ કરાયો હતો. તેણે દંડ ન ચૂકવતા તેની સામે કોર્ટ કેસ કરાયો હતો અને દંડની રકમ વધારીને 1391 પાઉન્ડ કરાઇ હતી.

રૂઇસ્લિપમાં રહેતા 32 વર્ષીય હિતેશ પટેલને પણ આજ કોર્ટ દ્વારા 12 જૂન 2025ના રોજ વેમ્બલી હિલમાં પાનની પિચકારી મારવા માટે દોષી ઠેરવી 1391 પાઉન્ડનો દંડ કરાયો હતો. તે પણ કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો નહોતો.

બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા પાનની પિચકારીના ડાઘા દૂર કરવા માટે પ્રતિ વર્ષ 30,000 પાઉન્ડ કરતાં વધુની રકમ ખર્ચ કરાય છે. હાઇ પાવર્ડ ઇન્ડસ્ટ્રિયલ જેટના ઉપયોગ છતાં પાનની પિચકારીના ડાઘ દૂર કરી શકાતાં નથી. અધિકારીઓ પાનની પિચકારી મારનારને ઝડપી લેવા નિયમિત પેટ્રોલિંગ કરતા રહે છે અને જો કોઇ ઝડપાય તો તેને સ્થળ પર જ 100 પાઉન્ડનો દંડ કરે છે. જો વ્યક્તિ દંડ ન ચૂકવે તો તેની સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter