રવિવાર તા. ૨૮ જુનની વહેલી સવારે બ્રેન્ટવુડ સ્કુલના ૩૪ વિદ્યાર્થીઅોને લઇને બેલ્જીયમના પ્રવાસે નીકળેલ કોચને મિડલકર્ક ગામના નાના સી-સાઇડના જંક્શન્સ પાસે બ્રીજ સાથે અથડાતા થયેલ ગોાઝારા અકસ્માતમાં ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું અને અાસીસ્ટન્ટ ડ્રાઇવરને તથા બે શિક્ષકો અને બે વિદ્યાર્થીઅોને ગંભીર ઇજા તેમજ અન્ય વિદ્યાર્થીઅોને નાની ઇજાઅો થયાના સમાચારે ભારે અાઘાતની લાગણી વ્યાપી ગઇ હતી.
બેલ્જીયમના સમય મુજબ સવારના ૯.૪૫ કલાકે અને લંડનના સ્થાનિક સમય મુજબ સવારના ૮.૪૫ કલાકે અા ગંભીર અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા બ્રેન્ટવુડ સ્કુલના પ્રવાસે ગયેલ વિદ્યાર્થીઅોના કુટુંબોમાં ભારે અાઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી. અા વિદ્યાર્થીઅોમાં ૧૩ વર્ષનો મૂળ ગુજરાતી વિદ્યાર્થી રાજીવ મહેતા પણ હતો. સદ્નસીબે એને કોઇ જાનહાનિ થઇ નથી એ જાણ થતા એના કુટુંબે રાહત અનુભવી હતી. રવિવારે રાત્રે વિદ્યાર્થીઅોને લઇને સ્કુલ બસ પરત ફરી અને રાજીવ સાજો સમો ઘરે અાવ્યો ત્યારે સૌએ રાહતનો દમ લીધો હતો. તંત્રીશ્રી સી.બી.પટેલના મતે રાજીવનો બચાવ એ અા કુટુંબની સેવાભાવનો જ અા પ્રતાપ છે.