લંડનઃ એગ્રેસિવ બ્લડ કેન્સરથી પીડાતા દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોને એગ્રેસિવ બ્લડ કેન્સરની સારવાર માટેની દવાના સંશોધનમાં મોટી સફળતા હાથ લાગતાં સારવારના નવા યુગનો પ્રારંભ થશે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લંડન સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર રિસર્ચના સંશોધકોએ એક્યુટ મેલોઇડ લ્યુકેમિયા (એએમએલ)ની નવી સારવાર પદ્ધતિ વિકસાવી છે. આ પ્રકારનું કેન્સર અસાધ્ય ગણાય છે. તેમાં શરીરના બોનમેરો અસામાન્ય શ્વેત કણોનું સર્જન કરવા લાગે છે. તે આખા શરીરમાં ઝડપથી ફેલાઇ જતાં હોય છે. યુકેમાં દર વર્ષે 3100 લોકો આ રોગનો શિકાર બને છે અને 2700 લોકોના મોત થાય છે.
નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દવાઓ દ્વારા આ રોગને ધીમો પાડી શકાય છે. હાલમાં એનિમિયા માટે ઉપયોગમાં લેવાતી દવાઓની લ્યુકેમિયાના દર્દીઓ પર હવે ક્લિનિકલ ટ્રાયલ કરી શકાશે. સંશોધકો દ્વારા નવી દવા પણ વિકસાવી લેવામાં આવી છે જે બ્લડ કેન્સરને ફેલાતું અટકાવી શકે છે.


