લંડનઃ ઈંગ્લેન્ડમાં કોરોનાના સંક્રમણના કારણે ૨૮ દિવસ સુધી કોમામાં રહેલી ૩૭ વર્ષીય સંપૂર્ણ વેક્સિનેટેડ નર્સ મોનિકા અલ્મિડાનો જીવ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સ્થિતિમાં જાતીય ઉત્તેજનાને વેગ આપતી બ્લુ પિલ વિઆગ્રાએ બચાવી લીધો છે! આના પરિણામે નવા સંશોધનનો આરંભ થયો છે. હવે વૈજ્ઞાનિકો લોહીમાં ઓક્સિજનનું સ્તર વધારનારા નાઈટ્રિક ઓક્સાઈડની જેમ જ વિઆગ્રાનો ઉપયોગ થઈ શકે કે કેમ તે બાબતે સંશોધન કરી રહ્યા છે
ગેન્સબરો લિંકનશાયરની રહેવાસી અને અસ્થમાથી પીડાતીનર્સમોનિકા અલ્મિડા કોરોના પેશન્ટ્સની સારવાર દરમિયાન ૩૧ ઓક્ટોબરે સંક્રમિત થઈ હતી. લોહીની ઉલટીઓ સાથે તેની તબિયત ખરાબ થવા લાગી હતી. સારવાર પછી તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસ્ચાર્જ થયાના થોડા દિવસો બાદ મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થતાં લિંકન કાઉન્ટી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાઈ હતી. સારવાર દરમિયાન મોનિકાના ઓક્સિજનનું સ્તર સતત ઘટતાં ICUમાં શિફ્ટ કરાઈ હતી. અને ૧૬ નવેમ્બરે તે કોમામાં જતી રહી હતી. આ પહેલા તેણે પ્રાયોગિક દવાઓનો ઉપયોગ કરવાના અભ્યાસને મંજૂરી આપતા દસ્તાવેજ પર સહી કરી હતી.
મોનિકાને ભાનમાં લાવવા માટે ભારે પ્રયાસો કરાયાં છતાં ડોક્ટર્સને કોઈ સફળતા મળી ન હતી. ડોકટરો મોનિકાને વેન્ટીલેટરમાંથી કાઢવાનું વિચારી રહ્યા હતા ત્યારે જ એક સાથી નર્સે વિઆગ્રા આપવાનો સુઝાવ આપ્યો હતો. એક પ્રયોગ તરીકે બ્લુ પિલ વિઆગ્રાનો હેવી ડોઝ આપ્યા પછી જ મોનિકા કોમામાંથી બહાર આવી હતી.
મોનિકાએ કહ્યું હતું કે ‘મને વિઆગ્રાએ જ બચાવી છે. તેનાથી ૪૮ કલાકમાં જ મારાં એરવેઝ (વાયુ માર્ગો) ખુલી ગયા અને ફેફસાં કામ કરવા લાગ્યાં હતાં. અસ્થમાના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ૩૭ વર્ષની ઉંમરે હું આટલી બીમાર હોઈશ.’
ક્રિસમસની પૂર્વસંધ્યાએ મોનિકાને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને તે પરિવાર સાથે રજાઓ માણી શકી છે. જોકે, તેને સંપૂર્ણ સાજા થવામાં મહિનાઓ લાગી શકે છે.


