બ્લૂમ રિવ્યૂમાં હિન્દુ રાષ્ટ્રવાદ અંગેની ટિપ્પણીઓ સામે હિન્દુઓમાં ઉગ્ર આક્રોશ

યુકેમાં હિન્દુ રાષ્ટ્રવાદ એટલે શું? તેનો અર્થ શું છે? પોતાના અધિકારો માટે લડવું તેનો અર્થ એ નથી કે તમે કટ્ટરવાદી છો – તૃપ્તિ પટેલ, યુકેમાં હિન્દુ રાષ્ટ્રવાદનો ઉદય એક મૂર્ખની કલ્પના સિવાય બીજું કશું નથી. આ કથિત હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને ઇસ્લામિક જેહાદીઓ વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ – અદિત કોઠારી

Tuesday 02nd May 2023 12:36 EDT
 
 

લંડન – સ્વતંત્ર ફેઇથ એન્ગેજમેન્ટ એડવાઇઝર કોલિન બ્લૂમ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં શિખ ઉગ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદ અંગે કરાયેલી ટિપ્પણીઓ સામે બ્રિટિશ શિખ અને બ્રિટિશ હિન્દુ સમુદાયોમાં ઉગ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.

હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, કોલિન બ્લૂમ દ્વારા કરાયેલી સમીક્ષાના આ હિસ્સા સામે મને સમગ્ર વિશ્વમાંથી વાંધા પ્રાપ્ત થઇ રહ્યાં છે. લેસ્ટરની હિંસા માટે હિન્દુઓનો ઉલ્લેખ ખોટો છે. સંખ્યાબંધ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આઇએસઆઇએસ તરફી અને હિન્દુ વિરોધીઓ દ્વારા અફવાઓ ફેલાવીને આ હિંસા ભડકાવવામાં આવી હતી. યુકેમાં હિન્દુ રાષ્ટ્રવાદ એટલે શું? તેનો અર્થ શું છે? પોતાના અધિકારો માટે લડવું તેનો અર્થ એ નથી કે તમે કટ્ટરવાદી છો.

હિન્દુ કાઉન્સિલ યુકેના ઇન્ટરફેઇથ ડિરેક્ટર અનિલ ભનોતે જણાવ્યું હતું કે, આ સમીક્ષા બીબીસી અને ગાર્ડિયન દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કેટલાક આર્ટિકલના આધારે કરવામાં આવી છે અને મોટાભાગના બ્રિટિશ હિન્દુ તેને સમસ્યાનો હિસ્સો માને છે.

ઇન્ડિક સોસાયટીના સ્થાપક અદિત કોઠારીએ આત્મઘાતી હુમલાખોરો સાથે હિન્દુ રાષ્ટ્રવાદની સરખામણી કરવા માટે બ્લૂમની ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં હિન્દુ રાષ્ટ્રવાદનો ઉદય એક મૂર્ખની કલ્પના સિવાય બીજું કશું નથી. આ કથિત હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને ઇસ્લામિક જેહાદીઓ વચ્ચે સરખામણી કરવાનો મૂર્ખામીભર્યો પ્રયાસ છે.

ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ યુકેના જય શાહ કહે છે કે કેટલાક બ્રિટિશ હિન્દુએ 2019માં લેબર પાર્ટી વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. શું તેના કારણે બ્રિટિશ હિન્દુઓ કટ્ટરવાદી થઇ ગયાં? હિન્દુઓ શાંતિપ્રિય સમુદાય છે. બ્રિટનની જેલોમાં પણ હિન્દુઓની સંખ્યા નહીંવત છે. હિન્દુઓને હિંસામાં કોઇ રસ નથી. આ એક વ્યક્તિની કલ્પના માત્ર છે. આ રિપોર્ટના કારણે સમાજમાં અસહિષ્ણુતા પ્રસરવાનું જોખમ છે.

શિખ યૂથ યુકેના દીપા સિંહે જણાવ્યું હતું કે, તેમણે અમને ઘણા બદનામ કર્યા છે. આ સરકારનો શિખોને ટાર્ગેટ કરવાનો એજન્ડા બતાવે છે. આ શિખ સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ છે. વિમ્બલ્ડનના લોર્ડ સિંહે જણાવ્યું હતું કે, શિખ ઉગ્રવાદને વધારી ચડાવીને રજૂ કરવામાં આવ્યો છે.

બ્રિટિશ હિન્દુઓમાં રાષ્ટ્રવાદી ચળવળો ચિંતાજનક – બ્લૂમ રિપોર્ટ

કોલિન બ્લૂમના રિપોર્ટમાં બ્રિટિશ હિન્દુ સમુદાયોમાં રાષ્ટ્રવાદી ચળવળો પર પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં હિન્દુ રાષ્ટ્રવાદ વધુ ઉગ્ર બનીને સામે આવ્યો છે. હિન્દુ રાષ્ટ્રવાદી એક્ટિવિસ્ટો દ્વારા તેમના એજન્ડા અંતર્ગત જાહેરજીવનમાં રહેલા લોકો અને રાજનેતાઓને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે તે તેનો પુરાવો છે. 2019ના યુકેના જનરલ ઇલેક્શનમાં અને તાજેતરમાં 2022માં લેસ્ટરમાં હિન્દુ – મુસ્લિમ તણાવ વખતે આ બાબતો ધ્યાન ખેંચનારી બની રહી હતી. અગાઉની બ્રિટિશ હિન્દુ પેઢીઓ કરતાં હાલની પેઢી ભારતમાં હિન્દુ રાજકિય હિતો સાથેની તેમની ઓળખ માટે વધુ સક્રિય જણાઇ રહી છે.  આ પ્રકારની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ બ્રિટિશ સમાજને અસ્થિર કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter