બ્લેક મનીઃ મોદીનું યુદ્ધ એ આપણું જ યુદ્ધ છે

મનોજ લાડવા Wednesday 30th November 2016 07:31 EST
 
 

જો ભારતમાં પચરંગી વિરોધ પક્ષોના નેતાઓ સાચા હોય તો નરેન્દ્ર મોદી સરકારનો રૂપિયા ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટો પાછી ખેંચવાના નિર્ણયને મોટી આફત સિવાય બીજું કંઈ કહી શકાય નહીં. શાણા માનવીઓ પણ કમનસીબે પ્રલયની આગાહી કરનારાની કાગારોળમાં તણાઈ ગયા છે અને તેઓ વધુ સૈદ્ધાંતિક અભિગમ અપનાવી રહ્યાં છે.

એ વાત સાચી છે કે બીનહિસાબી અથવા ‘બ્લેક’ મનીનો ‘ઓજીયેન સ્ટેબલ્સ’નો કચરો સાફ કરવાના નાટ્યાત્મક પગલાથી થોડા સમય તકલીફ તો થશે જ. હા, તેનાથી કદાચ ગ્રાહક માગને ધક્કો પહોંચશે અને થોડા મહિનાઓ સુધી જીડીપી વિકાસ અડધો ટકા ઓછો પણ થઈ શકે છે. પરંતુ આ નકારાત્મક વિચારો ધરાવનારાએ એટલું યાદ રાખવું જોઈએ કે તેનાથી હાલ ચલણમાં ફરી રહેલાં અંદાજે ૭૦ બિલિયન ડોલર બિનહિસાબી નાણા પણ ખતમ થઈ જશે. આ નાણાથી ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, નાર્કોટિક્સ વેપાર તેમજ અન્ય દુષ્ટ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે છે જે ભારતીય અર્થતંત્ર અને સમાજને ઉધઈની માફક કોરી ખાય છે, સરકારને કાયદેસરની રેવન્યુથી દૂર રાખે છે અને ગરીબીનું એક વિષચક્ર સર્જવામાં મદદ કરે છે. જે નાબૂદ કરવા મોદીએ પ્રતિજ્ઞા કરી છે.

આથી જ હું કહું છું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદીનું યુદ્ધ આપણું જ યુદ્ધ છે આ ત્રાસવાદ સામેનું યુદ્ધ છે. તેની સાથોસાથ ગરીબી સામેનું યુદ્ધ પણ છે. આથી, યુકેમાં તમાશામાં જોડાઈ જનારા લોકોએ બિનનિવાસી ભારતીયોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવી ઇન્ડિયા હાઉસની બહાર વિરોધ અભિયાનોની નેતાગીરી લેવા ધમકીઓ આપી છે, તેમને આગળ વધતા અટકાવવા જ જોઈએ. તમે જરા એ પરિવારોનો વિચાર કરો જેમણે ત્રાસવાદીઓ અને ગુંડાઓના હાથે પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. એ ગરીબોને યાદ કરો જેમનું ભવિષ્ય ભ્રષ્ટાચારીઓના હાથે રોજ રોળાતું રહે છે.

હવે આપણે ચોક્કસ બાબતો જોઈએ. ડીમોનેટાઇઝેશન પહેલથી ભારતીય રિઝર્વ બેંકની જવાબદારી ૭૦ બિલિયન ડોલર જેટલી ઘટી જવાની અથવા એક વર્ષનું ઋણ ઓછું લેવાની ધારણા છે. આના પરિણામે ખાનગી સેકટરમાં રોકાણો માટે નવા સંજોગો ઊભા થશે. વ્યાજના દર ઘટી શકશે અને ભારતના વિકાસશીલ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો બંને માટે વિશાળ પ્રમાણમાં ક્રેડિટ પ્રાપ્ત થશે. આ પછીના તમામ વ્યવહારો ‘વ્હાઈટ’ અથવા ફોર્મલ અર્થતંત્રને વેગ પૂરો પાડશે.

અને આખરમાં આ સંજોગો તો નીચલા સ્તરની નોકરશાહી અને ખાસ તો કસ્ટમ્સ અને પ્રત્યક્ષ તથા પરોક્ષ ટેક્સ વિભાગો દ્વારા લાંચની સતત માગણીઓથી પરેશાન અને ભારતમાં સાહસ સ્થાપવામાં ભયભીત વિદેશી રોકાણકારો માટે તો ઈશ્વરદત્ત વરદાન જેવું છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં મોદીના ભાજપને જે અભૂતપૂર્વ વિજયો સાંપડ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે કે પ્રલયની આગાહી કરનારાઓ ખોટા છે અને અચાનક ડીમોનેટાઈઝેશનથી થોડી તકલીફો પડવા છતાં વ્યાપક કલ્યાણ માટે ભારતીય પ્રજા તે સહન કરવા તૈયાર છે.

ભૂતકાળમાં પણ ઘણા લોકોએ અનેક વખત કહ્યું છે તેમ મોદી હિંમતવાન રાજકીય જુગારી છે. તેઓ જાણે છે કે દેશ તેમની પાછળ એકસંપ થઈને ઊભો છે અને આ સમર્થનથી તાકાત મેળવીને તેઓ ‘લેસ કેશ’ ભારતને આધુનિક ડિજીટલ કેશલેસ સમાજમાં રૂપાંતરિત કરવા તત્પર છે. જો આપણે અત્યારે વડા પ્રધાન મોદી સાથે ખભાથી ખભા મિલાવીને ઊભા નહીં રહીએ તો ક્યારે ઊભા રહીશું? ’

(મનોજ લાડવા રાજકીય સ્ટ્રેટેજીસ્ટ તેમજ ઇન્ડિયા ઇન્ક.ના સ્થાપક અને ચીફ એક્ઝીક્યુટીવ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter