લંડનઃ આફ્રિકાના મલાવીમાં જન્મેલા મૂળ ભારતવંશી સુલેમાન મહંમદ ઈસ્માઈલ ખોનાતે બ્લેકબર્ન વિથ ડાર્વેનના મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમના પરિવારનું મૂળ વતન ગુજરાતના ભરૂચ જિલ્લાના સિતપોણ ગામમાં હતું. મુસ્લિમ વ્હોરા સમાજ તેમજ ભારતીયો માટે સુલેમાનભાઈની સિદ્ધિ ગૌરવની બાબત છે.
સુલેમાનભાઈના પિતા મહંમદ ઈસ્માઇલ ખોનાત 1950ના દાયકામાં ભારત છોડી આફ્રિકાના મલાવી ખાતે ગયા હતા. પિતાના અવસાન પછી સુલેમાનભાઈ માતા હુરી મહંમદ ખોનાત સાથે 1976માં બ્લેકબર્નમાં સ્થાયી થયા હતા. તેમણે ટેક્સાઈલ ઈન્ડસ્ટ્રીમાં વણકર, બસ કન્ડક્ટર સહિતની નોકરીઓ કર્યા પછી સફળ ન્યૂઝ એજન્ટની કામગીરી પણ કરી છે. તેમણે પાછળથી નેશનલ ફેડરેશન ઓફ રિટેઈલ ન્યૂઝએજન્ટ્સના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
મેયર બન્યા પછી તેમણે કહ્યું હતું કે ‘બ્લેકબર્ન વિથ ડાર્વેનના મેયર તરીકે પસંદ કરાયા બદલ હું ધન્યતા અનુભવું છું તેમજ આગામી વર્ષ દરમિયાન રચનાત્મક અને સફળ કાર્યો માટે તત્પર છું. હું બેઘર લોકોને મદદ કરવા અને શાળાના બાળકોને પ્રાથમિક સારવારનું શિક્ષણ મળી રહે ઈચ્છું છું જેથી તેઓ અન્યોને મદદરૂપ બની શકે.’ તેઓ ચેરિટી વર્કર અને વોલન્ટીઅર હોવા સાથે 2004માં પ્રથમ વખત શીઅર બ્રો વોર્ડના લેબર કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.
તેઓ ઈસ્ટ લેન્કેશાયર હોસ્પિસના સમર્થક છે અને પ્લિઝિંગ્ટન સેમેટ્રી ખાતે મૃતકોની દફનવિધિમાં શોકાતુર પરિવારોને મદદ કરવા તત્પર રહે છે. કાઉન્સિલર ખોનાતે 2001થી મેજિસ્ટ્રેટ (જસ્ટિસ ઓફ પીસ) તરીકે પણ સેવા આપી છે.


