લંડનઃ બ્રેક્ઝિટના મુદ્દે ટોરી પાર્ટીનો નિરાશાજનક વ્યવહાર અને લેબર નેતા જેરેમી કોર્બીન પ્રભુત્વહીન છે ત્યારે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે ફ્રન્ટલાઈન બ્રિટિશ રાજકારણમાં પરત આવવાની જાહેરાત કરી છે. પૂર્વ વડા પ્રધાન બ્લેરના મતાનુસાર થેરેસા મે કોઈ વજન ધરાવતાં નથી અને તેમનાથી બ્લેર પ્રભાવિત નથી છતાં બંને વચ્ચે મુલાકાત યોજાવાની છે.
ટોની બ્લેર વેસ્ટમિન્સ્ટર નજીક ઓફિસની શોધ ચલાવી રહ્યા છે અને બ્રેક્ઝિટ મુદ્દે સરકારના વલણને પ્રભાવિત કરવાની તેમની યોજના છે. આ માટે તેઓ ૧૩૦ કર્મચારી સાથેની નવી ઈન્સ્ટિટ્યુટ સ્થાપી રહ્યા છે, જે બ્રેક્ઝિટ પ્રોસેસને પ્રભાવિત કરનારી સલાહ આપશે. તેમણે પોતાના સલાહકાર તરીકે પૂર્વ લેબર સાંસદ જિમ મર્ફીને નિયુક્ત કર્યા છે. બ્લેર આગામી સપ્તાહોમાં થેરેસા મેને કોફી પર મળવાની યોજના ધરાવે છે. જોકે, મે માને છે કે બ્લેર જૂની પેઢીના રાજકારણીઓના અપવિત્ર જોડાણનો હિસ્સો છે, જેઓ બ્રેક્ઝિટ પ્રોસેસને નકામી બનાવવા પ્રયાસ કરે છે.
બીજા ઈયુ રેફરન્ડમના ખુલ્લા હિમાયતી બ્લેરે બ્રેક્ઝિટની ચર્ચા જ્યોર્જ ઓસ્બોર્ન સહિતના નેતાઓ સાથે કરી છે અને નવા વર્ષમાં પોતાના રાજકારણમાં પાછા ફરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. ફ્રન્ટલાઈન બ્રિટિશ રાજકારણમાં પરત આવવાનો તેમનો મક્કમ ઈરાદો યુએસના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જારેડ કુશનેર સાથેની મુલાકાતના પગલે સ્પષ્ટ થયો છે. મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં બિનનફાકારી કાર્યો માટે હજુ સક્રિય બ્લેર તેમની સંસ્થા માટે ટોની બ્લેર ઈન્સ્ટિટ્યુટ ફોર ગ્લોબલ ચેન્જ અને ટોની બ્લેર સેન્ટર ફોર ગ્લોબલ ચેન્જ નામની વિચારણા કરી રહ્યા છે.


