ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ચોરાયેલી મૂર્તિઓ ભારતને સોંપાઈ

Thursday 24th September 2020 03:01 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પોલીસે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની ત્રણ અમૂલ્ય કાંસ્ય મૂર્તિઓ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનને સુપરત કરી હતી. વિજયનગર કાળની આ મૂર્તિઓ ૧૯૭૮માં તામિલનાડુના વિષ્ણુમંદિરમાંથી ચોરાઈ હતી. ભારતને પરત સોંપાયેલી આ કાંસ્ય મૂર્તિઓ આનંદમંગલમ રામ, લક્ષ્મણ અને સીતા તરીકે જાણીતી છે. મૂર્તિઓ સુપરત કરવાના કાર્યક્રમમાં હિન્દુ પૂજારીએ મૂર્તિઓની પરંપરાગત પૂજા પણ કરી હતી.

તામિલનાડુના થાંજાવુર જિલ્લાના મયુરમ તાલુકાના આનંદમગલમ ખાતેના શ્રી રાજગોપાલા સ્વામી મંદિરમાંથી મૂર્તિઓની ચોરી થઈ હતી. ગયા વર્ષે એક વ્યક્તિએ આ મૂર્તિઓનો ફોટોગ્રાફ મોકલ્યો હતો. ધ ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ, તામિલનાડુ સરકાર, લંડનસ્થિત ભારતીય દૂતાવાસ અને ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ની મદદથી મૂર્તિઓની ઓળખ અને મૂળ સ્થાનને પુષ્ટિ મળી હતી. જોકે, મૂર્તિઓ ચોરાયેલી હોવા વિશે અજાણ ડીલરે તેનું મહત્ત્વ જાણ્યા પછી તેને સોંપવા સંમતિ દર્શાવી હતી. હવે આ મૂર્તિઓ તેમના મૂળ મંદિરમાં મોકલી અપાશે.

ધ ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના જણાવ્યા અનુસાર આ મૂર્તિસમૂહમાં હનુમાનજીની મૂર્તિ પણ છે જે હાલ સાઉથ ઈસ્ટ એશિયાના મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકાયેલી છે. લંડન પોલીસે ૨૦૧૮માં ૧૨મી સદીની ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ભારતને સોંપી હતી. આ મૂર્તિ ૧૯૬૧માં ASIના નાલંદાસ્થિત મ્યુઝિયમમાંથી ચોરાઈ હતી.

ઈન્ડિયા હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં મેટ્રોપોલીટન પોલીસના અધિકારીઓ, ભારતીય હાઈ કમિશનના સ્ટાફ ઉપરાંત, ભારતના સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલે પણ ઓનલાઈન હાજરી આપી હતી. ભારતની સાંસ્કૃતિક વિરાસતની ચોરાયેલી અને સ્મગલ કરાયેલી કલાકૃતિઓ પરત મેળવવા ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે. ૧૯૪૭-૨૦૧૪ના ગાળામાં માત્ર ૧૩ કલાકૃતિ ભારત પરત આવી હતી પરંતુ, ૨૦૧૪ પછી સરકારના સઘન પ્રયાસ તેમજ જાગૃતિ અને સમજના કારણે વિદેશથી ૪૦થી વધુ કલાકૃતિ ભારતને સોંપાઈ હોવાનું મિનિસ્ટર પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter