લંડનઃ અબજોપતિ ઇલોન મસ્કે યુકેમાં એન્ટી ઇમિગ્રેશન દેખાવોને સમર્થન આપતાં બ્રિટિશરોને તેમના અધિકારો માટે વળતી લડત આપવા અથવા તો મૃત્યુ વહોરી લેવાનું આહવાન કર્યું હતું. યુનાઇટ ધ કિંગડમ રેલીને વર્ચ્યુઅલી સંબોધન કરતાં ટેસ્લાના સીઇઓએ જણાવ્યું હતું કે, જો આ સ્થિતિ જારી રહેશે તો તમારી પાસે જીવવાના કયા વિકલ્પો રહેશે. જે લોકો રાજનીતિમાં રસ ધરાવતા નથી તેમને મારો સ્પષ્ટ સંદેશો છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો સમજી લો કે હિંસા આવી રહી છે. મસ્કે સ્ટાર્મરની લેબર સરકારને ઉથલાવી દેવાની પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે બ્રિટનમાં સરકાર બદલાવી જોઇએ. આપણે વધુ 4 વર્ષ રાહ જોવી જોઇએ નહીં.
બિઝનેસ સેક્રેટરી પીટર કાયલેએ જણાવ્યું હતું કે, ઇલોન મસ્કની ટિપ્પણીઓ વાહિયાત અને અયોગ્ય છે. લિબરલ ડેમોક્રેટ નેતા એડ ડેવીએ મસ્કની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, આપણી લોકશાહી અમૂલ્ય છે અને તે વિદેશી ટેક બેરોન્સનું રમકડું બનવી જોઇએ નહીં. ઇલોન મસ્કને બ્રિટિશ જનતા અને તેમના અધિકારોની કોઇ પરવા નથી. તેમને ફક્ત પોતાની અને પોતાના ઘમંડની જ પરવા છે.