લંડનઃ ભયજનક ડ્રાઇવિંગ દ્વારા 21 વર્ષીય નતાશા થોર્પનું મોત નિપજાવનાર મોહમ્મદ હસનને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 9 વર્ષ અને 4 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. સાલેહ મોહમ્મદ તાહા હસને બેદરકારીપૂર્વક અને ખતરનાક રીતે વાહન ચલાવીને નતાશા થોર્પનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજાવ્યાનો ગુનો કબૂલ્યો હતો. અદાલતે તેના પર 12 વર્ષ અને 8 મહિના માટે ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કરુણ ઘટના ગત વર્ષે 22 ઓગસ્ટના રોજ સટન કોલ્ડફીલ્ડના બ્રાસિંગટન એવન્યુ પર બની હતી. હસન પોતાની ટોયોટા કોરોલા કારને સ્ટંટ અથવા ડ્રિફ્ટિંગ કરાવવાના પ્રયાસમાં નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને ફૂટપાથ પર ચાલી રહેલી બે મહિલાઓને અડફેટે લીધી હતી.

