ભાગેડુ કારોબારી નીરવ મોદીના લંડન સ્થિત ફ્લેટના વેચાણને મંજૂરી

લક્ઝરી ફ્લેટને ઓછામાં ઓછા 3.75 મિલિયન પાઉન્ડની કિંમતે વેચવાનો આદેશ

Tuesday 06th October 2026 10:33 EDT
 
 

લંડનઃ લંડનની કોર્ટે પંજાબ નેશનલ બેંકના રૂ.14,000 કરોડથી વધુના કૌભાંડમાં પ્રત્યર્પણનો સામનો કરી રહેલા ભાગેડુ કારોબારી નીરવ મોદી સાથે જોડાયેલા લંડનના ફ્લેટના વેચાણને મંજૂરી આપી દીધી છે. હાઇકોર્ટના ચાન્સરી ડિવિઝનના માસ્ટર જેમ્સ બ્રાઇટવેલે સેન્ટ્રલ લંડન સ્થિત 103 મેરેથોન હાઉસીસ ધરાવતા આ લક્ઝરી ફ્લેટને ઓછામાં ઓછા 3.75 મિલિયન પાઉન્ડની કિંમતે વેચવાનો આદેશ આપ્યો છે. આ કેસ ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ કંપની (સિંગાપુર) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ટ્રસ્ટની જવાબદારીઓ ચૂકવાયા બાદ બાકીની રકમ સુરક્ષિત ખાતામાં જમા કરવામાં આવે.

નીરવ મોદીના સહયોગી સંદીપ મિસ્ત્રીને યુએઇમાંથી દેશનિકાલ કરાયો, સીબીઆઇ દ્વારા ધરપકડ

પીએનબી કૌભાંડ કેસમાં ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફરાર વેપારી નીરવ મોદીના નજીકના સહયોગી સંદીપ મિસ્ત્રીની સંયુક્ત આરબ અમીરાતથી દેશનિકાલ કરાયા બાદ ધરપકડ કરી છે. મિસ્ત્રીને યુએઈથી ભારત લાવવામાં આવ્યા બાદ મુંબઈ ખાતે સીબીઆઇની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે આરોપી સંદીપ મિસ્ત્રીને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter