લંડન, હેમ્બર્ગઃ વિવિધ ભારતીય બેન્કો પાસેથી રૂપિયા ૯૦૦૦ કરોડની લોન લઇને ફરાર થઇ બ્રિટનમાં આવેલા લિકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણ કેસ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે માલ્યાને ભારત લાવવાના પ્રયાસો તેજ કરી દેવાયા છે. જર્મનીમાં જી-૨૦ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે વચ્ચેની બેઠકમાં મોદીએ માલ્યાની ભારતને સોંપણી કરવા થેરેસા મે પર દબાણ વધાર્યું હતું. માલ્યા ઉપરાંત લલિત મોદીના પ્રત્યાર્પણ મામલે પણ મોદીએ થેરેસા મે સાથે ચર્ચા કરી હતી. જોકે થેરેસા મેએ શું જવાબ આપ્યો તેની કોઇ જ માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત બન્ને દેશના વડાઓએ ભારત અને બ્રિટનના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી. મોદી અને થેરેસાની બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બગલેયે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
ભારત તરફથી પ્રત્યાર્પણ વોરન્ટના પગલે સ્કોટલેન્ડ પોલીસે માલ્યાની ૧૮ એપ્રિલે ધરપકડ કરી હતી. તેમણે ૬,૫૦,૦૦૦ પાઉન્ડનાં બોન્ડ રજૂ કરતાં ગણતરીના કલાકમાં જ તેમને જામીન પર મુક્ત કરાયા હતા. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ પ્રત્યાર્પણ કેસમાં કોર્ટ પ્રક્રિયાની તમામ શરતોનું પાલન કરશે. બીજી તરફ, લલિત મોદી છેલ્લા પાંચેક વર્ષથી બ્રિટનમાં રહે છે અને તેના પણ પ્રત્યાર્પણના પ્રયાસો ભારત દ્વારા અનેક વખત કરવામાં આવ્યા છે. આ બન્ને કૌભાંડીઓને ફરી ભારત લાવવાના પ્રયાસો તેજ બનાવી દેવાયા છે.
માલ્યા સામે સુનાવણી ૧૪ સપ્ટેબમ્બર સુધી ટળી
કૌભાંડકારી વિજય માલ્યા છ જુલાઈ, ગુરુવારે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં તેના પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાન હાજર રહ્યો હતો. કોર્ટને માલ્યાની હાજરી પસંદ પડી નહોતી. કોર્ટે ટકોર પણ કરી હતી કે, તમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે તો તમે શા માટે આવ્યા. ઉલ્લેખનીય છે કે, ૧૩ જૂને યોજાયેલી સુનાવણીમાં વિજય માલ્યાને કોર્ટની કામગીરી દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. માલ્યાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું, કે મારા વકીલોના સુચન પ્રમાણે હું કરું છું. કોર્ટે આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરે કરવા હુકમ કર્યો હતો.
માલ્યાએ બિસમાર ભારતીય જેલોનો મુદ્દો ઉઠાવ્યો
વિજય માલ્યાએ ભારતને પોતાનું પ્રત્યાર્પણ થતું અટકાવવા વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ભારતીય જેલોની બિસમાર અવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત સરકાર માલ્યાના પ્રત્યાર્પણ માટે હાલ લંડનની કોર્ટમાં કાનૂની જંગ લડી રહી છે. માલ્યાએ પોતાના પ્રત્યાર્પણ સામેની દલીલમાં ભારતીય જેલોનો મુદ્દો ઉઠાવતાં ભારત સરકાર સક્રિય બની ગઈ છે. માલ્યાનું પ્રત્યાર્પણ થાય તો એને મુંબઈની આર્થર રોડ જેલમાં રખાવાની શક્યતા સાથેના એક અહેવાલ મુજબ લિકર બેરન આ મુદ્દાનો મોટો લાભ ઉઠાવી શકે એવા ભયથી પ્રેરાઈને કેન્દ્રના ગૃહ સચિવ રાજીવ મેહર્ષિએ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવ સુમિત મલિકને ૨૩ જૂને પત્ર લખી એમાં મહારાષ્ટ્રની જેલોની સ્થિતિ વિશેની પોતાની આશંકાને હાઈલાઈટ કરી હતી.