ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળોઃ હાઈ કોર્ટે અપીલ ફગાવી

Monday 20th April 2020 21:47 EDT
 
 

લંડનઃ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના ૨૦૧૮ના પ્રત્યાર્પણ આદેશ સામેની અપીલ યુકેની લંડન હાઈ કોર્ટે ૨૦ એપ્રિલ સોમવારે ફગાવી દેતા ૨૦૧૬થી ચાલતા કાનૂની યુદ્ધનો અંત આવ્યો છે અને માલ્યાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. લંડન હાઈ કોર્ટે નોંધ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૦૯થી ૨૪ જાન્યુઆરી ૨૦૧૭ના ગાળામાં માલ્યાએ બેન્ક અધિકારીઓ અને અન્યો સાથે મળીને તેની કિંગફિશર એરલાઈન્સ માટે બેન્કોની લોન્સ મેળવી અને પરત નહિ ચૂકવીને  કુલ ૧૫,૦૦૦ કરોડની છેતરપીંડી આચરી હતી. હવે માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે ૧૪ દિવસનો સમય છે. આ પછી ચુકાદાની ફાઈલ હવે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે અને તેઓ પ્રત્યાર્પણનો અંતિમ નિર્ણય લેશે. આગામી થોડા સપ્તાહોમાં તેને ભારત મોકલી અપાય તેવી શક્યતા છે.

ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડ રુપિયાથી વધુ લોન્સ લઈ ૬૪ વર્ષીય લિકર બેરન વિજય માલ્યા યુકેમાં નાસી આવ્યો હતો. તાજેતરમાં વિજય માલ્યાએ તેનું કરજ ચૂકવી દેવાની ઘણી ઓફર ભારત સરકારને કરી હતી પરંતુ, ભારત તેના વિરુદ્ધ અદાલતોમાં કામ ચલાવવા માગે છે. વિજય માલ્યાએ તેણે કશું ખોટું કર્યાનો ઈનકાર કરવા સાથે ૩૧ માર્ચે જણાવ્યું હતું કે,‘ કિંગફિશર એરલાઈન્સ દ્વારા બેન્કો પાસેથી કરજ લેવાયેલી ૧૦૦ ટકા રકમ ચૂકવી દેવાની ઓફર મેં વારંવાર કરી છે. બેન્કો નાણા લેવા તૈયાર નથી કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ બેન્કોના વતી કરાયેલી ટાંચ ઉઠાવી લેવા માગતું નથી.’

ભારત વતી કેસ રજૂ કરનાર ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસના પ્રવક્તાએ કહ્યું હતું કે હવે માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે ૧૪ દિવસનો સમય છે. એ પછી મામલો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે. જો અરજી નહિ કરે તો ૨૮ દિવસમાં હોમ ઓફિસ માલ્યાના પ્રત્યાર્પણની ફાઈલ મંજૂર કરી દેશે. અરજી થશે તો અંતિમ ચુકાદા સુધી ભારતીય એજન્સીઓએ રાહ જોવી પડશે. જોકે, બે કોર્ટના ચુકાદા ભારતની તરફેણમાં હોવાથી હવે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં મોટો તફાવત આવે તેવી શક્યતા બહુ જ ઓછી છે.

સીબીઆઈ અને ઈડીએ કહ્યું હતું કે આ ઐતિહાસિક ચુકાદો છે. ભારતની તપાસ એજન્સીઓના તપાસ રીપોર્ટના આધારે બ્રિટિશ હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી માન્ય રાખી હોય એવું કદાચ છેલ્લાં દશકામાં ક્યારેય બન્યું નથી. બીજા ગુનેગારોને પણ ભારતમાં લાવવામાં આ ચુકાદો ખૂબ જ મહત્વનો સાબિત થશે.

 ભારત દ્વારા પ્રત્યાર્પણ વિનંતીના આધારે એપ્રિલ ૨૦૧૭માં લંડનમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ, ૬૫૦,૦૦૦ પાઉન્ડના બોન્ડ સાથે તત્કાળ જામીન અપાયા હતા. આ પછી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની એફિડેવિટના આધારે તે જ વર્ષના ઓક્ટોબરમાં લંડનમાં તેની ફરી ધરપકડ કરાઈ હતી. ડિસેમ્બર ૨૦૧૮માં વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથ્નોટે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ જારી કર્યો હતો જેની સામે માલ્યાએ લંડન હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હવે આ અપીલ ફગાવી દેવાઈ છે. ભારતની PMLA કોર્ટે માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે. માલ્યાને ભારત પરત લાવવા સીબીઆઈ અને ઈડી ૨૦૧૬થી યુકેની કોર્ટ્સમાં કાનૂની યુદ્ધ લડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter