ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદીનું ભારત ખાતે પ્રત્યર્પણ હાથવેંતમાં

યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સે રાહત ન આપતાં નીરવ મોદી પાસે હવે કોઇ વિકલ્પ બચ્યો નથી

Tuesday 07th July 2026 10:36 EDT
 
 

લંડનઃ યુકે સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટેની વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ સમક્ષની તેની અંતિમ કાનૂની પ્રક્રિયા પણ નિષ્ફળ જતાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યર્પણની કાર્યવાહીનો છેલ્લો કાનૂની અવરોધ હવે દૂર થઈ ગયો છે.

સૂત્રો અનુસાર, યુકેની અદાલતોમાં અપીલના તમામ માર્ગો બંધ થઈ ગયા બાદ મોદીએ એપ્રિલ 2026માં ECHRનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, યુરોપિયન કોર્ટે પણ તેને કોઈ રાહત આપી નથી, જેના કારણે પ્રત્યર્પણને પડકારવા માટેના તેના તમામ કાનૂની માર્ગો હવે કાયદાકીય રીતે સમાપ્ત થઈ ગયા છે.

કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ યુકે સરકારે નીરવ મોદીને ભારતીય સત્તાવાળાઓને સોંપવા માટે જરૂરી વહીવટી ઔપચારિકતાઓ શરૂ કરી દીધી છે. રાજદ્વારી વર્તુળોના જણાવ્યા અનુસાર તેનું પ્રત્યર્પણ હવે ગમે ત્યારે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદી માર્ચ 2019થી લંડનની એચએમપી વાન્ડ્સવર્થ જેલમાં બંધ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં તેના પ્રત્યર્પણ માટે પ્રયત્નશીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter