ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરનાર બ્રિટિશ ભારતીય ડોક્ટરને બ્રિટન પરત ફરવા મંજૂરી

ડો. સંગ્રામ પાટિલ વિરુદ્ધ જારી લૂકઆઉટ સર્ક્યુલરમાં સુધારો કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ

Tuesday 12th May 2026 12:38 EDT
 
 

લંડનઃ બોમ્બે હાઈકોર્ટે ગયા મંગળવારે મહારાષ્ટ્ર સરકારને બ્રિટિશ ડૉક્ટર સંગ્રામ પાટીલ વિરુદ્ધ જારી કરાયેલા લૂકઆઉટ સર્ક્યુલરમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો છે જેથી તેઓ યુકે પરત ફરી શકે. ભારતીય મૂળના ડૉક્ટર અને કન્ટેન્ટ ક્રિએટર સંગ્રામ પાટીલની ગત 10 જાન્યુઆરીએ લંડનથી મુંબઈ આગમન સમયે એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ વિશે સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક પોસ્ટ કરવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

19 જાન્યુઆરીએ તેઓ લંડન પરત ફરી રહ્યા હતા ત્યારે ઇમિગ્રેશન સત્તાવાળાઓએ લૂકઆઉટ સર્ક્યુલરનો હવાલો આપી તેમને વિદેશ જતા રોક્યા હતા. ભાજપના નેતા નિખિલ ભામરે દ્વારા ડિસેમ્બરમાં નોંધાવાયેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ વિભાગે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ડો. પાટીલે એફઆઈઆર રદ કરવા અને બ્રિટન પરત જવાની મંજૂરી મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અદાલતે રાજ્ય સરકારને 11 મે સુધીમાં લૂકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા આદેશ આપ્યો છે જેથી ડો. પાટીલ લંડન જઈ શકે. જોકે એફઆઈઆર રદ કરવાની તેમની મુખ્ય અરજી પર સુનાવણી આગામી તારીખે હાથ ધરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter