ભાડાંનું એક મકાન નિહાળવા 150 લોકોએ લાઈન લગાવી

5.1 મિલિયનની વસ્તી સામે ભાડે મળવાપાત્ર માત્ર 716 મકાનો

Wednesday 24th August 2022 03:55 EDT
 
 

ડબ્લિનઃ આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં હાઉસિંગ કટોકટી એવા બિંદુએ પહોંચી ગઈ છે કે માત્ર એક રેન્ટલ પ્રોપર્ટી નિહાળવા સેંકડો લોકોએ કલાકો સુધી લાઈન લગાવી હતી. મંગળવાર, 16 ઓગસ્ટની રાત્રે પણ ભાડે આપવાની પ્રોપર્ટી જોવા માટે 100થી વધુ લોકો ઉભા હતા. ડબ્લિનમાં ભાડે અપાનારા મકાનોની માગ આસમાને પહોંચી ગઈ છે.

હકીકત એ છે કે આયર્લેન્ડમાં 2000ના દસકામાં સંખ્યાબંધ મકાનો બંધાયા હતા પરંતુ, જરૂરિયાતના સ્થળોએ તેનો સપ્લાય હતો જ નહિ. રેન્ટલ પ્રોપર્ટીની સતત વધતી માગના કારણે તેના ભાવ પણ ઘણા ઊંચા ગયા છે. મંગળવારે રાત્રે 8.30 કલાકે રેન્ટલ પ્રોપર્ટી નિહાળવા 100 સંભવિત ભાડૂતો લાઈનમાં ઉભા હતા અને માત્ર 30 મિનિટમાં તેમાં 50થી વધુ લોકો ઉમેરાઈ ગયા હતા. લોકોએ લાંબી લાઈનોના ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

આયર્લેન્ડમાં ગૂગલ સહિતની ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે કોર્પોરેશન ટેક્સના અત્યંત નીચા દર હોવાથી અને મહામારીના ગાળામાં આવી કંપનીઓની આવકો વધતા આયર્લેન્ડને કોર્પોરેટ ટેક્સની 8 બિલિયન યુરોની જંગી આવક મળી છે. આ કંપનીઓના કર્મચારીઓનો પ્રવાહ પણ આયર્લેન્ડમાં આવવાથી પ્રોપર્ટીની માગમાં ભારે વધારો થયો છે.

આઈરિશ રેન્ટલ પ્રોપર્ટીનો સપ્લાય એટલે તળિયે પહોંચ્યો છે કે પહેલી ઓગસ્ટના દિવસે 5.1 મિલિયનની વસ્તી સામે માત્ર 716 મકાનો મળી શકે તેમ હતા. ડબ્લિન સિટી સેન્ટર નજીક 20 નવા એપાર્ટમેન્ટને નિહાળવા 600થી વધુ લોકોની માગણી આવી હતી. આયર્લેન્ડમાં 2009ના વર્ષમાં ડબ્લિનમાં આશરે 8000 અને અન્યત્ર 15,500 થઈને 23,400થી વધુ મકાનો ભાડાં પર મળે તેવાં હતા. આનાથી વિપરીત, આ વર્ષે 1 ઓગસ્ટે ડબ્લિનમાં 300થી પણ ઓછાં અને અન્યત્ર 424 મકાન ભાડે મળે તેમ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter