લંડનઃ રેન્ટર્સ રિફોર્મ બિલ સ્થગિત થવાની આડઅસરો દેખાવા લાગી છે. ઇંગ્લેન્ડમાં દરરોજ 172 પરિવારોને તેમના મકાન માલિકો દ્વારા સેક્શન 21 અંતર્ગત કરાયેલી જોગવાઇના આધારે નો ફોલ્ટ ઇવિક્શન નોટિસ એટલે કે મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી રહી છે. ચેરિટી શેલ્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષમાં મકાન માલિકોએ બાળકો ધરાવતા 1,88,000 ભાડુઆતોને કોઇપણ પ્રકારનું કારણ આપ્યા વિના મકાન ખાલી કરવાની નોટિસ ફટકારી છે. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ભાડુઆતોમાંથી 1 પરિવારને ઓછામાં ઓછું 3 વાર મકાન ખાલી કરવાની ફરજ પડી છે.
મે 2023માં સરકારે રેન્ટર્સ રિફોર્મ્સ બિલ પ્રસિદ્ધ કર્યું હતું જેમાં નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ કરાઇ છે જેથી ભાડુઆત પરિવારોને સંરક્ષણ મળી શકે પરંતુ સંસદમાં હજુ આ બિલ બીજા તબક્કામાં જ પહોંચ્યું છે.
ચેરિટીના એક્ઝિક્યુટિવ પોલી નીટે જણાવ્યું હતું કે, સંસદમાં જે રીતે રેન્ટર્સ રિફોર્મ્સ બિલ અટવાઇ ગયું છે તે સ્વીકાર્ય નથી. તેના પર હાલ કોઇ પ્રગતિ જોવા મળી રહી નથી. સરકાર વર્ષોથી નો ફોલ્ટ ઇવિક્શન નોટિસ પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહી છે પરંતુ તેના પર કોઇ ઝડપી કાર્યવાહી કરી રહી નથી જેના કારણે લોકોને ઊંચા જીવે મકાનોમાં રહેવું પડે છે. સરકારેઝડપથી આ બિલ પસાર કરવા માટે સંસદમાં કાર્યવાહી કરવી જોઇએ. ઇંગ્લેન્ડમાં 1 કરોડ 10 લાખ ભાડુઆતોનો તેના પર આધાર રહેલો છે.
એક મહિનામાં મકાન ભાડામાં 5.1 ટકાનો ઉછાળો
ઓએનએસના જણાવ્યા અનુસાર સમગ્ર યુકેમાં છેલ્લા એક મહિનામાં પ્રાઇવેટ મકાનભાડાંમાં 5.1 ટકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. મકાન ભાડામાં વધારાના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પરેશાન જનતાના બજેટમાં વધારો થઇ રહ્યો છે. જોકે મકાનોની કિંમતમાં ઊંચા મોર્ગેજ રેટના કારણે ધીમી ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે.


