લંડનઃ ભાડૂઆતોને વધુ અધિકાર આપતા કાયદાને સોમવારે મંજૂરી આપી દેવાઇ છે. 30 કરતાં વધુ વર્ષ બાદ ભાડૂઆતો માટેના નિયમોમાં મોટા બદલાવ કરાયાં છે. આગામી સપ્તાહોમાં સરકાર દ્વારા બદલાવો ક્યારે અને કેવી રીતે અમલી બનશે તેની જાહેરાત કરાશે. યુકેમાં 20 ટકા પરિવાર ભાડાના મકાનમાં રહે છે તેનો અર્થ એ થયો કે લાખો લોકોને આ સુધારાથી લાભ થશે. આ કાયદાનો અમલ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં થશે જ્યારે વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં હજુ ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટને પરવાનગી છે.
ભાડૂઆતોને મળેલા નવા અધિકાર
- હવે 12 અથવા 24 મહિનાના ફિક્સ્ડ કોન્ટ્રાક્ટના સ્થાને પીરિયોડિક અથવા રોલિંગ બેઝ પર મકાન ભાડે રાખી શકાશે. તેનો અર્થ એ થયો કે ભાડૂઆત મકાનમાં ઇચ્છે ત્યાં સુધી રહી શકે છે. બે મહિનાની નોટિસ આપીને મકાન ખાલી કરી શકશે.
- જો મકાન માલિક પ્રોપર્ટી વેચવા માગે અથવા પોતે રહેવા માગે તો પણ ભાડૂઆતને પ્રથમ 12 મહિનામાં મકાન ખાલી કરાવી શકશે નહીં. 12 મહિના પછી મકાન માલિકે 4 મહિનાની નોટિસ આપવી પડશે. ચોક્કસ સંજોગોમાં જ મકાન ખાલી કરાવી શકાશે. પ્રોપર્ટીને નુકસાન, અસામાજિક વર્તન, ભાડાની ચૂકવણીમાં લાપરવાહી જેવા સંજોગોમાં ગમે ત્યારે મકાન ખાલી કરાવી શકાશે. ભાડૂઆત પૂઅર કન્ડિશનની ફરિયાદ કરે તો તેને મકાન ખાલી કરાવી શકાશે નહીં.
- મકાન માલિક વર્ષમાં એક જ વાર અને માર્કેટ રેટ પ્રમાણે જ ભાડામાં વધારો કરી શકશે. આ માટે મકાન માલિકે ભાડૂઆતને બે મહિના પહેલા નોટિસ આપવાની રહેશે. ભાડૂઆત ભાડુ વધારે લાગે તો ટ્રિબ્યુનલમાં પડકારી શકશે. જોકે ડિપોઝિટના નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી.
- સ્ટુડન્ટ એકોમોડેશન પ્રોપર્ટીમાં મકાન માલિક સ્ટુડન્ટને બે સપ્તાહમાં મકાન ખાલી કરવા નોટિસ આપી શકશે.
- મકાન માલિક પાલતુ પ્રાણીઓ રાખવા માટે મનાઇ ફરમાવી શકશે નહીં. બાળકો ધરાવતા અથવા બેનિફિટ્સ મેળવતા ભાડૂઆતો સાથે ભેદભાવ કરી શકાશે નહીં.


