ભાડૂઆતોને મોટી રાહત, 2023માં ભાડામાં મહત્તમ 7 ટકાનો વધારો કરી શકાશે

વર્ષ 2023-24માં સરેરાશ ભાડૂઆતને 200 પાઉન્ડની બચત થશે

Wednesday 23rd November 2022 04:19 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટે ઓટોમન બજેટમાં જાહેરાત કરી હતી કે 2023-24માં સોશિયલ રેન્ટમાં મહત્તમ 7 ટકાનો જ વધારો કરી શકાશે. જેના પગલે સરેરાશ ભાડૂઆતને આગામી વર્ષે 200 પાઉન્ડની બચત થશે. તેમણે જણાવ્યું હતું કે, ઓબીઆરના અંદાજ પ્રમાણે હાઉસિંગ એક્ટિવિટીમાં મંદી આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લિઝ ટ્રસના મિની બજેટના કારણે મોર્ગેજ બિલમાં તોતિંગ વધારો થયો હતો. જેના પગલે મકાન માલિકો દ્વારા ભાડામાં પણ ધરખમ વધારો કરાયો હતો. લેબર પાર્ટીના દાવા પ્રમાણે સરેરાશ પરિવારના મોર્ગેજ બિલમાં 530 પાઉન્ડનો વધારો થયો હતો. દેશભરમાં ભાડૂઆતોની ફરિયાદ હતી કે મોર્ગેજ બિલમાં વધારાના કારણે મકાન માલિકો ભાડાંમાં વધારો માગી રહ્યાં છે.

સ્ટેમ્પ ડ્યુટીના દર માર્ચ 2025 સુધી યથાવત

હન્ટે જણાવ્યું હતું કે, તેઓ માર્ચ 2025 સુધી હાલની સ્ટેમ્પ ડ્યુટી યથાવત રાખી રહ્યાં છે. હન્ટના પુરોગામી ક્વાસી ક્વારતેંગે તેમના મિની બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની મર્યાદા 1,25,000 પાઉન્ડથી વધારીને 2,50,000 પાઉન્ડ કરી હતી. તે ઉપરાંત 4,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિની પહેલીવાર ખરીદી કરનારને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અપાઇ હતી. પહેલીવાર સંપત્તિ ખરીદનાર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની માગ કરી શકે તેની મર્યાદા પાંચ લાખ પાઉન્ડથી વધારીને 6,25,000 પાઉન્ડ કરાઇ હતી. જેના કારણે સ્ટેમ્પ ડ્યુટીમાં 2500 પાઉન્ડ સુધીનો ઘટાડો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter