ભાડે આપવાનો છેઃ ઘરકામમાં પાવરધો પતિ!

Wednesday 06th July 2022 09:22 EDT
 
 

લંડનઃ મોંઘવારીના ભાર હેઠળ કચડાઇ રહેલી પ્રજા આવક વધારવા હવાતિયાં મારી રહી છે. આવા જ એક પ્રયાસમાં ત્રણ બાળકોની 41 વર્ષીય માતા લૌરા યંગે પોતાના પતિ જેમ્સ યંગને જ ભાડે આપવાની જાહેરાત કરી છે. એક વ્યક્તિ અન્યો માટે ફર્નિચર બનાવીને નાણા કમાતો હોવાની માહિતી મળ્યા બાદ લૌરાએ પણ વિચાર્યું કે તેનો પતિ પણ ઘણી કુશળતા ધરાવે છે તો તેને ભાડે આપીને શા માટે નાણા ન કમાવા! લૌરા અને જેમ્સના 3 બાળકો પૈકીના બે ઓટિસ્ટિક છે. બાળકોની કાળજી લેવા માટે જેમ્સને વેરહાઉસની નોકરી છોડવી પડી હતી. લૌરાએ પતિને ભાડે આપવાની કિંમત 35 પાઉન્ડ રાખી છે.
પતિની કુશળતા જોઇને વિચાર આવ્યોઃ લૌરા
બકિંગહામશાયરના મિલ્ટન કિનેસ વિસ્તારના બ્લેચ્લીના 41 વર્ષીય લૌરા કહે છે કે, ‘મારાં પતિ ઘર અને ગાર્ડનમાં સારી રીતે કામ કરી શકે છે. તેથી મને વિચાર આવ્યો કે શા માટે તેમને ભાડે આપીને તેમની કુશળતા દ્વારા નાણા ન કમાઉં...’ આ માટે લૌરાએ રેન્ટ માય હેન્ડી હસબન્ડ નામની વેબસાઇટ શરૂ કરી અને ફેસબુક તથા નેક્સ્ટ ડોર નામની જાણીતી એપ પર જાહેરાતો આપી. જવાબમાં સંખ્યાબંધ ફોનકોલ્સ આવતાં લૌરા રાજીની રેડ થઇ ગઇ. જોકે, કેટલાક લોકોએ લૌરા તેના પતિને કોઇ અન્ય કામ માટે ભાડે આપી રહી હોવાનો ઊંધો અર્થ પણ કાઢ્યો હતો. લૌરા તેના પતિને એક દિવસ માટે ભાડે આપવા માટે 35 પાઉન્ડની રકમ વસૂલે છે.
તમે કહેશો તે કામ કરી આપીશઃ જેમ્સ
જેમ્સ યંગ સુથારીકામ, રંગકામ, ડેકોરેશન સહિત ટાઇલ્સ બેસાડવા અન કાર્પેટ બેસાડવા જવા કામ ઘણા સારી રીતે કરી શકે છે. બાળકો જ્યારે રાત્રે નહિ સૂવાની જિદ કરતાં ત્યારે જેમ્સે 9 ફીટના ફેમિલી બેડ સહિત કસ્ટમ બેડ્સ બનાવીને બાળકોને રાજી કરી દીધાં હતાં. લૌરાનો પતિ જેમ્સ કહે છે કે, ‘તમે કલ્પના કરો અને હું તમને તે પ્રમાણે કામ કરી આપીશ. તમે તૈયાર કરેલા સ્કેચ પરથી હું તમારા બાળકો માટે કસ્ટમ બિલ્ડ બન્ક બડ પણ તૈયાર કરી આપીશ.’
ઘણા લોકોને, ખાસ કરીને મહિલાઓને એમ લાગી રહ્યું છે કે ઘરમાં નાના રિપેરિંગ કામ માટે બિલ્ડરોને કોઇ રસ હોતો નથી અથવા આવાં કામ કરવા માટે પતિ નવરા પડે તેની રાહ જોવી પડે છે અથવા તો વારંવાર યાદ અપાવીને ટકોર કરવી પડે છે તેથી આ બાબત ઘણી આવકાર્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter