ભારત IMO કાઉન્સિલમાં ચૂંટાયું

Wednesday 06th December 2017 05:10 EST
 
 

લંડનઃ ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) કાઉન્સિલની બી કેટેગરીની ચૂંટણીમાં ભારત ફરીથી ચૂંટાઈ આવ્યું છે. જર્મની પછી બીજા ક્રમના સૌથી વધુ ૧૪૪ મત ભારતે મેળવ્યા હતા. IMO ના સ્થાપક સભ્ય ભારતે તેના કન્વેન્શનને બહાલી આપેલી છે અને માત્ર ૧૯૮૩-૮૪ના બે વર્ષ સિવાય તેનું સભ્ય રહેલું છે. ભારતીય શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીએ ૨૮ નવેમ્બર, ૨૦૧૭ના રોજ IMO એસેમ્બલીને સંબોધન કર્યું હતું અને IMOમાં ભારતના પ્રદાનને હાઈલાઈટ કર્યું હતું.

મેરિટાઈમ સેક્ટરમાં ધારાધોરણો અને નિયમોની સ્થાપના સહિત IMOના વિવિધ ઈનિશિયેટિવ્ઝ સાથે સંકળાઈને તેની કામગીરીમાં ભારતનું પ્રદાન સક્રિય રહ્યું છે. ભારત દરિયાખેડુ રાષ્ટ્ર છે અને નાવિકો માટેના વિશ્વબજારમાં તેનો હિસ્સો ૮ ટકા રહ્યો છે. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન, વિદેશ મંત્રાલય, શિપિંગ મિનિસ્ટ્રી તેમજ વિશ્વમાં ભારતીય મિશનોના સંકલિત પ્રયાસોના કારણે ભારત કાઉન્સિલમાં ભારે બહુમતી સાથે પુનઃ ચૂંટાયું છે.

IMO કાઉન્સિલમાં ભારતનું સભ્યપદ તેના વધતા વેપાર, વિશ્વમાં વિશાળ અર્થતંત્ર બનવા તરફ ભારતની ઝડપી ગતિ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં તેના રસને ધ્યાનમાં લેતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભારત અંદાજે ૧૦૦ બિલિયન ડોલરના કુલ રોકાણ સાથે નવા ચાર બંદરનું નિર્માણ કરવા ઉપરાંત, તેના ૧૫ વર્તમાન બંદરને આધુનિક બનાવવાની યોજના ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter