લંડનઃ એર ઇન્ડિયા ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલ પર ભારતના પાયલટ એસોસિએશન બાદ હવે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એરલાઇન પાયલટ્સ એસોસિએશને પણ સવાલો ઉઠાવી ઉતાવળિયા તારણો સામે ચેતવણી આપી છે. એસોસિએશને જણાવ્યું છે કે આ પ્રારંભિક અહેવાલ પર ઘણા સવાલો ઊભા થઇ રહ્યાં છે. તેમાં ક્રેશ અંગેના સવાલોના કોઇ જવાબ અપાયાં નથી. ફક્ત ધારણાઓના આધારે જ તારણો અપાયાં છે. જે દુર્ઘટનાની તપાસમાં મદદરૂપ થઇ શકે તેમ નથી. અહેવાલમાં સુરક્ષા અંગેની કોઇ ભલામણ પણ કરાઇ નથી. દુર્ઘટનાના પીડિત પરિવારો તપાસમાં પારદર્શકતાની આશા રાખે છે.
પાયલટોને જવાબદાર ગણાવવાનો કારસોઃ ઇન્ડિયા કોમર્શિયલ પાયલટ એસોસિએશનનો આરોપ
આ પહેલાં ઇન્ડિયા કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશને પણ દોષનો ટોપલો પાયલટ પર નાખવાના પ્રયાસને વખોડી કાઢ્યો હતો. એસોસિએશને જણાવ્યું હતું કે, અહેવાલમાં ફક્ત ધારણાઓના આધારે પાયલટને દોષી ઠરાવવાનો પ્રયાસ નિંદનીય છે. આ એક બેજવાબદાર જ નહીં પરંતુ પીડિતોની સંવેદના સાથે રમત કરતો અહેવાલ છે. એવિએશન સેફ્ટી એક્સપર્ટ કેપ્ટન અમિત સિંહે જણાવ્યું હતું કે, સ્વીચો આકસ્મિક રીતે ટર્ન ઓફ થઇ નહોતી તેનો અર્થ એ થયો કે જાણીજોઇને ટર્ન ઓફ કરાઇ હતી. રિપોર્ટની થોડી જ માહિતી જાહેર કરીને સરકારે તમામને અસમંજસભરી સ્થિતિમાં મૂકી દીધાં છે. ઇન્ડિયન પાયલટ્સ યુનિયને આરોપ મૂક્યો છે કે આ દુર્ઘટના માટે પાયલટને જવાબદાર ઠેરવવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કેપ્ટન સેમ થોમસે જણાવ્યું હતું કે, તપાસમાં ગુપ્તતા રાખવાની ગતિવિધિઓ આશ્ચર્યજનક છે.