લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રેમિન્દર રેન્જરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાતને વધાવી લેતાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે શાંતિની તાતી જરૂર છે.
મોદી-જિનપિંગની મુલાકાત પર લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, આ અત્યંત મહત્વનો ઘટનાક્રમ છે. ભારત અને ચીન વચ્ચે શાંતિની જરૂર છે. એક સમય એવો હતો જ્યારે આપણે હિન્દી-ચીની ભાઇ ભાઇના નારા લગાવતા હતા પરંતુ દુર્ભાગ્યે 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું. આવી સ્થિતિનું પુનરાવર્તન થવું જોઇએ નહીં. કોઇનો પ્રદેશ જીતી લેવો તે ટૂંકાગાળાનો લાભ તો છે પરંતુ લાંબા ગાળે નુકસાનકારક પૂરવાર થાય છે.
પૂર્વ ભારતીય રાજદ્વારી જયંત પ્રસાદે પણ આ મુલાકાત પર જણાવ્યું હતું કે, ભારત અને ચીને સંબંધો સામાન્ય બનાવવા પર કામ કરવું જોઇએ. ભારત અને ચીન પાડોશી દેશ છે અને 2050 સુધીમાં બંને દેશ વિશ્વની ટોચની બે આર્થિક મહાસત્તા બનવાની છે. જો બંને દેશ વચ્ચેના સંબંધ સારા નહીં હોય તો બંનેને નુકસાન થશે. તેઓ તેમના વિકાસ લક્ષ્યાંક હાંસલ કરી શકશે નહીં.


