લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર યોજાયેલી પરિચર્ચામાં ફોરેન ઓફિસ મિનિસ્ટર બેરોનેસ જેનિફર ચેપમેને જણાવ્યું હતું કે, તણાવ ઘટાડવા માટે અર્થપૂર્ણ મંત્રણા કરવા બ્રિટિશ સરકાર ભારત અને પાકિસ્તાનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ પરિચર્ચામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોર્ડ્સ પણ સામેલ થયાં હતાં. પાકિસ્તાની મૂળના લોર્ડ્સે ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની તરફેણ કરી હતી જ્યારે ભારતીય મૂળના પીઅર્સે ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા સજ્જડ પુરાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેરોનેસ ચેપમેને જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દા પર બ્રિટનનું વલણ યથાવત છે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને બંને દેશે કાશ્મીરી લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ. બ્રિટન બંને દેશ વચ્ચે અર્થપૂર્ણ મંત્રણાના પક્ષમાં છે અને તે માટે બંને દેશને રાજદ્વારી ચેનલો દ્વારા પ્રોત્સાહન આપતો રહેશે.
ભારત તેના પાડોશી દેશો સાથે શાંતિ ઇચ્છે છેઃ લોર્ડ કરણ બિલિમોરિયા
લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારત તેના પાડોશી દેશો સાથે શાંતિ ઇચ્છે છે. તે તેના અર્થતંત્રમાં વૃદ્ધિ, જનતાના જીવનોમાં ખુશહાલી અને વૈશ્વિક સમુદાયમાં સકારાત્મક યોગદાન આપવા ઇચ્છે છે.
ભારત- પાક. વચ્ચેનો તણાવ યુકેમાં ડાયસ્પોરાને અસર કરે છેઃ બેરોનેસ સંદિપ વર્મા
બેરોનેસ સંદિપ વર્માએ જણાવ્યું હતું કે, મુખ્ય લક્ષ્યાંક તો ભારતીય ઉપખંડમાં શાંતિ સ્થાપવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ યુકેમાં ડાયસ્પોરા સમુદાયોને અસર કરે છે. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત તેની જવાબદારીઓ સમજે છે. પાકિસ્તાન પણ ધબકતી લોકશાહી બને તે માટે આપણે કામ કરવું જોઇએ.