લંડન
ભારત અને બ્રિટન વચ્ચે 21 જુલાઇના ગુરુવારના રોજ એકબીજાની શૈક્ષણિક લાયકાતને સત્તાવાર રીતે માન્યતા આપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ કરારથી બંને દેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વચ્ચે સહકાર સાધી શકાશે અને બંને દેશમાં એકબીજાના વિદ્યાર્થીઓના અભ્યાસ કરવાની તકોમાં વધારો થશે. આ મહત્વના કરારના કારણે બંને દેશ એકબીજાની સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી ડિગ્રીઓને માન્યતા આપશે. તેનો અર્થ એ થયો કે ભારતમાં પ્રાપ્ત કરેલું અપર સેકન્ડરી લેવલનું શિક્ષણ બ્રિટનના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ મેળવવામાં મદદરૂપ થશે. તેવી જ રીતે બ્રિટનની અનુસ્નાતક ડિગ્રીઓ ભારતમાં માન્ય ગણાશે. તેના પગલે બ્રિટનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનાર ભારતીય વિદ્યાર્થી ભારતમાં પોસ્ટ ડોક્ટરલ ડિગ્રીમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા નહોતી. નવા કરારને પગલે બંને દેશના શિક્ષણ સંસ્થાનો એકબીજા દેશમાં માન્ય ગણાય તેવા અભ્યાસક્રમો તૈયાર કરી શકશે. ભારતીય શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ અને ભારતીય સ્નાતકો વિશ્વમાં ગમે ત્યાં રોજગાર પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશ્યથી તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આ કરાર દ્વારા વેગ મળશે.
બ્રિટનના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એની મારી ટ્રેવેલિયને જણાવ્યું હતું કે, એકબીજાના વિદ્યાર્થીઓ માટે ભારત અને બ્રિટન મહત્વના સ્થળ છે અને આ કરાર તેને વધુ પ્રોત્સાહન આપશે. બંને દેશ વચ્ચેના વેપાર આડે આવતા અવરોધો દૂર કરવાનું વચન પુરું કરવા કરતાં અમે ખુશી અનુભવી રહ્યાં છીએ. ભારતીય વિદ્યાર્થીઓ હવે સહેલાઇથી બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. એજ્યુકેશન માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ જેમ્સ ક્લેવેર્લીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતો દેશ છે. અમારી આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન સ્ટ્રેટેજીમાં ભારત મહત્વનો ભાગીદાર દેશ છે. આ કરારથી બંને દેશ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે. બ્રિટનની યુનિવર્સિટીઓ સમગ્ર વિશ્વમાં ઘણા વ્યાજબી ફી માળખા સાથે શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે અને આ કરાર ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ તકોનું સર્જન કરશે.
ભારત ખાતેના કાર્યકારી બ્રિટિશ હાઇ કમિશનર જેન થોમ્પસને જણાવ્યું હતું કે, બ્રિટનમાં અભ્યાસ કરવા ઇચ્છતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક અદ્દભૂત સમાચાર છે. માર્ચ 2022માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં 1,08,000 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા હતા. આ કરારથી બ્રિટનમાં ભૂતકાળમાં અભ્યાસ કરી ચૂકેલા વર્તમાનમાં અભ્યાસ કરતા અને ભવિષ્યમાં અભ્યાસની યોજના તૈયાર કરી રહેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાભરૂપ પૂરવાર થશે.


