લંડન
બ્રિટનના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરવા ભારતની મુલાકાતે પહોંચ્યા છે. બંને દેશના પદાધિકારીઓ વચ્ચે યોજાનારી આ મુલાકાતમાં જકાતમાં કાપ અને યુકેની ફાઇનાન્સિયલ અને લિગલ સર્વિસને ભારતમાં પરવાનગી આપવા મુદ્દે ચર્ચા હાથ ધરાશે. પહેલીવાર કેમી બેડનોક અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે મુલાકાત યોજાશે. બેડનોકની આ યાત્રા દરમિયાન બિઝનેસ લીડર્સ અને યુકેની કંપનીઓ વચ્ચે પણ બેઠકો યોજાનાર છે.
દિલ્હી પહોંચ્યા બાદ બેડનોકે જણાવ્યું હતું કે, હું ભારત અને બ્રિટન વચ્ચેની છઠ્ઠા રાઉન્ડની મંત્રણાનો પ્રારંભ કરવા અહીં આવી છું. મુક્ત વેપાર કરારને વેગ આપવા માટે હું પીયૂષ ગોયલ સાથે વ્યક્તિગત મુલાકાત કરીશ. બંને દેશ પરસ્પર સહકારના કરાર માટે સાથે મળીને કામ કરવા અને ઉચ્ચ મહત્વાકાંક્ષા તથા ઇચ્છા સાથે મંત્રણાના ટેબલ પર આવી રહ્યાં છે. બ્રિટિશ બિઝનેસ માટે વિશેષ તકો સર્જવા માટે હું ઘણી ઉત્તેજિત છું.
એક અખબારી મુલાકાતમાં બેડનોકે જણાવ્યું હતું કે, અમારી મંત્રણામાં સ્ટુડન્ટ વિઝાના મુશ્કેલ મુદ્દાને સામેલ નહીં કરાય. સ્ટુડન્ટ વિઝા મારા મંત્રાલયથી અલગ હોમ ઓફિસની જવાબદારીમાં આવે છે. તેથી તેની ચર્ચા મુક્ત વેપાર કરાર અંતર્ગત નહીં કરાય. વેપાર સાથે સંલગ્ન નથી એવા મુદ્દાઓમાં આ કરારને ઘસડવામાં આવી રહ્યો છે. અમે બિઝનેસ અંગેની મંત્રણાને હોમ ઓફિસના મુદ્દા સાથે સાંકળવા માગતા નથી.


