લંડન
બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને વિઝાની મુદત પૂરી થઇ જવા છતાં બ્રિટનમાં રોકાઇ જતાં ભારતીયોના મુદ્દે સવાલો ઉઠાવતાં ભારત સરકાર રોષે ભરાઇ છે. તેના કારણે ભારત અને બ્રિટન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ભંગાણના આરે પહોંચી ગયું છે.
ભારત સરકારના સૂત્રોને ટાંકીને ધ ટાઇમ્સે જણાવ્યું હતું કે, બ્રેવરમેન દ્વારા કરાયેલી ટિપ્પણીઓના કારણે દિલ્હીના મંત્રીઓ નારાજ થયાં છે. તેથી દીવાળી સુધીમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થાય તેવી કોઇ સંભાવના અત્યારે દેખાતી નથી. આ કરાર થઇ શકે છે પરંતુ બ્રિટીશ સરકારમાં રહેલા ચોક્કસ વ્યક્તિઓ તેમના વલણને વળગી રહ્યાં તો મંત્રણાઓ સ્થગિત થઇ શકે છે. પોલિટિકોના એક અહેવાલ અનુસાર દીવાળી પર ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાત લે તેની સંભાવનાઓ પણ ધૂંધળી બની છે.
બ્રિટનના હોમ સેક્રેટરી અને ફોરેન સેક્રેટરીના વિરોધાભાસી નિવેદનો
એકતરફ બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ માટે અવરોધો સર્જી રહ્યાં છે ત્યારે બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, બ્રિટન ભારત સાથે મજબૂત વેપાર સંબંધો ઇચ્છે છે. સુએલા બ્રેવરમેનની ભારતીય ઇમિગ્રન્ટ્સ પરની ટિપ્પણીઓ પરના સવાલનો જવાબ આપતાં ક્લેવરલીએ જણાવ્યું હતું કે, અમે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ.
બીજીતરફ બ્રિટનના ભારતીય મૂળના જ હોમ સેક્રેટરી ભારતીય વિરોધી વલણ અપનાવી રહ્યાં છે. આ પહેલાં સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે મને ભારત અને બ્રિટન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સામે વાંધો છે કારણ કે તેના લીધે બ્રિટનમાં ભારતીયોનો ધસારો વધી જશે. બ્રિટનમાં વિઝાની મુદત પૂરી થઇ હોવા છતાં રોકાણ કરનારા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. બ્રિટનના ગૃહમંત્રાલયના આંકડા અનુસાર 2020માં 20,706 ભારતીયો વિઝાની મુદત વીતી ગયા છતાં બ્રિટનમાં રહી પડ્યાં હતાં જે કોઇપણ વિદેશી ઇમિગ્રન્ટ્સ કરતાં સૌથી મોટી સંખ્યા છે.
ક્રિસમસ પહેલાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરની કોઇ સંભાવના નથી
ભારત અને બ્રિટન વચ્ચે દીવાળી પહેલાં થવા જઇ રહેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હવે ક્રિસમસ પહેલાં હસ્તાક્ષર થવાની હાલ તો કોઇ સંભાવના દેખાતી નથી. આ વિલંબ શા માટે થઇ રહ્યો છે તેના કોઇ કારણો આપવામાં આવી રહ્યાં નથી. ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક કહે છે કે અમે કોઇ ઉતાવળ કરવા માગતા નથી જેથી શ્રેષ્ઠ કરાર થઇ શકે.
સુએલા બ્રેવરમેનને ઇમિગ્રેશન સુધારા પ્રક્રિયાથી અળગાં કરાયાં
ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની પ્રક્રિયામાં ઇમિગ્રન્ટ્સના મામલે પોતાના નિવેદનો દ્વારા વિવાદ સર્જનાર હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને ઇમિગ્રેશન નિયમોમાં સુધારાની પ્રક્રિયામાંથી અળગા કરી દેવાયાં છે. સ્થાનિક બિઝનેસોમાં કર્મચારીઓની અછતના મામલે પોતાની ચિંતાઓ વ્યક્ત કરવા ટોરી સાંસદોને હોમ ઓફિસ નહીં પરંતુ કેબિનેટ ઓફિસ અથવા તો બિઝનેસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા સૂચના અપાઇ છે.
ટોરી સાંસદો દ્વારા આરોપ મૂકાઇ રહ્યાં છે કે સુએલા બ્રેવરમેન ઇમિગ્રેશન પોલિસી પર મનઘડંત નિર્ણયો લઇ રહ્યાં છે અને હોમ ઓફિસમાં પોતાનુ લીડરશિપ કેમ્પેન ચલાવી રહ્યાં છે. સુએલાના આ મનઘડંત નિર્ણયો અને સરકારના એજન્ડાના માર્ગમાં અવરોધો ઊભા કરવાના પ્રયાસો સરકારને નારાજ કરી રહ્યાં છે. સુએલા બ્રેવરમેન જે રીતે પોતે નેતા હોય તેમ વર્તી રહ્યાં છે તેના કારણે સરકાર અસ્થિર બની રહી છે. તેમણે પોતાને સોંપાયેલા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાની ઇચ્છા પ્રમાણે નિર્ણયો કરવા જોઇએ નહીં. તેઓ પોતાના આવા વર્તનના કારણે હોદ્દો ગુમાવી શકે છે.


