ભારત અને યુકે વચ્ચે ટેકનોલોજી સિક્યુરિટી કરાર

બંને દેશ ટેલિકોમ્યુનિકેશન સિક્યુરિટી અને ક્રિટિકલ મિનરલ્સ, સેમી કન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ તથા હેલ્થ ટેકનોલોજી જેવા મહત્વના સેક્ટરમાં સહકાર સાધશે

Tuesday 30th July 2024 11:48 EDT
 
 

લંડનઃ ભારત અને યુકેએ ટેલિકોમ્યુનિકેશન સિક્યુરિટી અને ક્રિટિકલ મિનરલ્સ, સેમી કન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ તથા હેલ્થ ટેકનોલોજી જેવા મહત્વના સેક્ટરમાં સહકાર સુનિશ્ચિત કરવા ટેકનોલોજી સિક્યુરિટી ઇનિશિયેટિવનો પ્રારંભ કર્યો હતો. યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમીની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથેની મુલાકાત બાદ તેની જાહેરાત કરાઇ હતી. ટેકનોલોજી સિક્યુરિટી ઇનિશિયેટિવ બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેજા હેઠળ આગળ ધપાવવામાં આવશે.

આ કરારના કારણે બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. મહત્વની ટેકનોલોજીઓમાં સહકાર વધારવા બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મંત્રણા બાદ આ પગલું લેવાયું છે. આ કરાર અંતર્ગત બંને દેશની સરકારો, પ્રાઇવેટ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાનો સાથે મળીને કામ કરશે.

બંને દેશ ઇન્ડો પેસિફિક રિજિયનમાં ડિફેન્સ અને સિક્યુરિટી સહકાર વધુ મજબૂત બનાવવા પણ સહમત થયાં હતાં. ટેકનોલોજી સિક્યુરિટી કરારમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશ વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તર પર લઇ જવા માગે છે. રોડમેપ 2030 અંતર્ગત સહકારનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. આ કરારથી બંન દેશ મહત્વની અને ઉભરતી ટેકનોલોજીઓમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિવિધ પ્રકારની ટેકનોલોજીમાં સહકારના પ્રવર્તમાન પ્રયાસોને પણ વેગ અપાશે.

ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં વિપુલ સંભાવનાઓઃ એસ. જયશંકર

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં વિપુલ સંભાવનાઓ છે અ તેમને અર્થપૂર્ણ આકાર આપવો અમારો લક્ષ્યાંક છે. બંને દેશ વચ્ચેના સંબંધો અત્યંત મહત્વના છે. બંને દેશ વિવિધ રીતે વિશ્વમાં આગવી હાજરી અને પ્રભુત્વ ધરાવે છે. તેથી વૈશ્વિક મામલાઓમાં ભારત અને યુકે સાથે મળીને કામ કરે તે મહત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter