લંડનઃ ભારત અને યુકે વચ્ચે ટેલિકોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં સંબંધો મજબૂત બનાવવા નવા કરાર કરાયા છે. ભારતના ટેલિકોમ સેક્રેટરી ડો. નીરજ મિત્તલે તાજેતરમાં યુકેની મુલાકાત લીધી હતી. તેમણે યુકેના ડિપોર્ટમેન્ટ ઓફ સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજીના અધિકારીઓ સાથે મુલાકાત કરી ફાઇવજી, સિક્સજી અને ડિજિટલ સિક્યુરિટી જેવી નવી ટેકનોલોજી પર ચર્ચા કરી હતી.
યુકે ઇન્ડિયા ટેલિકોમ ગોળમેજી પરિષદમાં ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓ બ્રિટિશ ટેલિકોમ, એરિક્શન, સોનિક લેબ્સ, યુકે ટેલિકોમ લેબ્સ પણ જોડાઇ હતી. આ ચર્ચા બાદ ભારતની સીડોટ અને યુકેની સોનિક લેબ્સ વચ્ચે કરાર કરાયો હતો. આ કરાર અંતર્ગત ફાઇવજી અને આટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરાશે.
તે ઉપરાંત બંને દેશના ટેલિકોમ સ્ટેકહોલ્ડર્સ ટેલિકોમ, સાયબર સિક્યુરિટી, ટેલિકોમમાં એઆઇ સહિતના સેક્ટરો માટે જોઇન્ટ સેન્ટર્સ ઓફ એક્સલન્સ શરૂ કરશે. બંને દેશ સાથે મળીને ટેસ્ટિંગ લેબ્સ, ડિજિટલ ટ્વીન્સ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ અને સબમરીન કેબલ સિક્યુરિટી પર પણ કામ કરશે.