ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પરની મંત્રણા મહત્વના તબક્કામાં પહોંચી

વિવિધ મુશ્કેલ મુદ્દા પર પારદર્શક ચર્ચાનો ભારતના વાણિજ્ય મંત્રાલયનો દાવો

Tuesday 18th July 2023 11:09 EDT
 
 

લંડનઃ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના ટ્રેડ સેક્રેટરી ઓફ સ્ટેટ કેમી બેડનોક વચ્ચે લંડન ખાતે બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર મહત્વની મંત્રણા યોજાઇ હતી. ભારતના વાણિજ્ય મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ મહત્વના તબક્કામાં પહોંચી છે. બંને મંત્રી વચ્ચે વિવિધ મુશ્કેલ મુદ્દાઓ પર મંત્રણા હાથ ધરાઇ હતી.

ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને મંત્રી વચ્ચેની મંત્રણામાં વિવિધ મુશ્કેલ મુદ્દા પર પારદર્શક અને મિત્રતાપૂર્ણ ચર્ચા થઇ હતી અને આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી. પીયૂષ ગોયલ 10 જુલાઇથી યુકેની 3 દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ મહત્વના તબક્કામાં પહોંચી છે ત્યારે પીયૂષ ગોયલની આ મુલાકાત ખૂબ જ વ્યૂહાત્મક ગણી શકાય.

મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષે ઝડપથી સહમતિ સાધી શકાય તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં અગાઉની મંત્રણાઓમાં સધાયેલી સહમતિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પડકારજનક મામલાઓ પર પણ બંને પક્ષે મુક્ત મને ચર્ચા કરી હતી. ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર માટે કેટલાક મુદ્દાઓ પર અવરોધો નડી રહ્યાં છે ત્યારે આ મંત્રણા ઘણી મહત્વની સાબિત થશે.

યુકે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મુદ્દે ચર્ચાઃ ગોયલ

લંડનઃ ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના મામલે યુકે સહિતના સંખ્યાબંધ દેશો સાથે મંત્રણા ચાલી રહી છે જેથી ઇન્ડિયન પ્રોટોકોલમાં સુધારો કરી શકાય. ઇન્ડિયન ઓરિજિન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના યુકે ચેપ્ટરના સમારોહમાં સવાલોના જવાબ આપતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંકલનની પ્રક્રિયા સરકારના ટોચના એજન્ડામાં છે કારણ કે ભારતીય અર્થતંત્રના ઝડપીવિકાસ માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અત્યંત મહત્વના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter