ભારત અને યુકે વચ્ચે વર્ષાંત સુધીમાં સંપૂર્ણ વેપારસંધિ સાધી લેવાની શક્યતા

Wednesday 02nd February 2022 04:57 EST
 
 

લંડનઃ યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે જણાવ્યું છે કે ભારત અને યુકે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વેપાર સમજૂતી સાધવાના માર્ગે આગળ વધી રહ્યા છે. બ્રિટને જાન્યુઆરી ૨૦૨૦માં ઈયુ છોડ્યું તે પછી બંને દેશો વચ્ચેની મંત્રણામાં પારસ્પરિક પ્રથમિકતાઓ સ્પષ્ટ કરી દેવાઈ છે અને મોટા ભાગનું ગ્રાઉન્ડ વર્ક પૂર્ણ કરી દેવાયું છે.

હાઈ કમિશનર શ્રીમતી કુમારે જણાવ્યું હતું કે બંને સરકારોએ વચગાળાની સમજૂતી સ્વરુપે એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપની પ્રતિબદ્ધતા સાધી હતી જેથી તાત્કાલિક ફળ મેળવી શકાય. હવે સુગઠિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવા વેપાર અને સર્વિસીસના વધુ પડકારરુપ મુદ્દાઓ પરની મંત્રણાઓ હાથ ધરાશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુકેની માફક ભારત પણ શક્ય હોય તે ઝડપથી વચગાળાની સમજૂતી સાથે ડિસેમ્બર ૨૦૨૨ અથવા ૨૦૨૩ના આરંભ સુધીમાં સુગઠિત FTA ને આખરી સ્વરુપ આપવા માટે કટિબદ્ધ છે.

જોકે, કહેવાતા સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ સહિત કેટલાક અવરોધો અવશ્ય છે. ભારતની માગણી છે કે બ્રિટનમાં કાર્યરત ભારતીય બિઝનેસીસને ટુંકા ગાળા માટે સ્કીલ્ડ પ્રોફેશનલ્સને લાવવામાં થતાં ખર્ચામાં પેન્શન ફાળા સહિતની કિંમતોમાં કપાતની રાહત અપાવી જોઈએ. યુકે માટે વિવાદિત મુદ્દાઓમાં લીગલ સર્વિસીસ તેમજ સ્કોચ વ્હિસ્કી જેવી લક્ઝરી પ્રોડક્ટ્સની નિકાસનો સમાવેશ થાય છે. ભારત વિશ્વમાં વ્હિસ્કીનું સૌથી મોટું બજાર છે અને ગત દાયકામાં સ્કોચની આયાત ત્રણ ગણી વધી છે પરંતુ, સ્થાનિક બ્રાન્ડ્સને રક્ષણ આપવા ૧૫૦ ટકાની દંડાત્મક ઈમ્પોર્ટ ટેરિફ્સ લાદવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે યુકે પાસે માત્ર બે ટકા બજાર રહે છે.

બંને પક્ષ સમજૂતીને ભવિષ્યમાં મુશ્કેલી ન સર્જાય તેવી બનાવવા સંમત થયા છે ત્યારે તેમણે ડિજિટલ ડેટા નિયમોને સુસંવાદી બનાવવા સંબંધિત સમજૂતી માટે ભારે મહેનત કરવી પડશે. આ સમજૂતીમાં ક્રોસ-બોર્ડર ડેટા ટ્રાન્સફર, પર્સનલ વિગતોની સુરક્ષા, સરકારી માહિતીની પારદર્શી સુલભતા અને ઓનલાઈન કન્ઝ્યુમર પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બીજી તરફ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે FTA થઈ શકે તે માટે ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને યુકેમાં રહેવા અને કામ કરવાના વિઝા મુદ્દે વિશેષ આકર્ષક ઓફર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter