ભારત અને યુકેના સંબંધોની નવી વ્યાખ્યા માગતો FAC રિપોર્ટ

યુકે-ઈન્ડિયા વીકનું લોન્ચિંગઃ મજબૂત દ્વિપક્ષી સંબંધોનો ભ્રમ તૂટી ગયોઃ ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે બહેતર વિઝા અને ઈમિગ્રેશન નીતિઓ થકી ભારત સાથે સંબંધોના નવનિર્માણની હિમાયત

રુપાંજના દત્તા Wednesday 26th June 2019 03:05 EDT
 
(ડાબેથી) પાર્લામેન્ટ હાઉસમાં ઈન્ડિયા ડેની ઉજવણીમાં ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ, ટોરી સાંસદ અને મિનિસ્ટર અમ્બર રડ, લોર્ડ જિતેશ ગઢિયા અને ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવા
 

લંડનઃ યુકેની પાર્લામેન્ટમાં સર્વપ્રથમ ઈન્ડિયા ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટરી ઈન્ક્વાયરીના નવા રિપોર્ટે ગત થોડા વર્ષોમાં બંને દેશના રાજદ્વારી અને વેપારી સંબંધો વાસ્તવમાં મજબૂત બન્યા હોવાનું માનતા દેશના ૧.૫ મિલિયન ભારતીય ડાયસ્પોરાને આઘાત પહોંચાડ્યો છે. નરેન્દ્ર મોદી ભવ્ય વિજય સાથે ભારતના વડા પ્રધાન બન્યા છે, બ્રેક્ઝિટની વર્તમાન ચર્ચાઓ તેમજ આગામી વડા પ્રધાન પદ માટે ટોરી પાર્ટીમાં સ્પર્ધાની મધ્યે બંને દેશોમાં રાજકીય વળાંકના સમયે યુકે-ઈન્ડિયા વીકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

ધ કોમન્સ ફોરેન એફેર્સ કમિટી (FAC)નો ‘બિલ્ડિંગ બ્રીજિસઃ રીઅવેકનિંગ યુકે-ઈન્ડિયા ટાઈઝ’ રિપોર્ટ૨૪ જૂન, સોમવારે જારી કરાયો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે આર્થિક સુપરપાવર તરીકે વિકસતા ભારત સાથે અનુકૂલનમાં નિષ્ફળતા સાથે વૈશ્વિક દોડમાં યુકે પાછળ પડી રહ્યું છે. રિપોર્ટમાં મિનિસ્ટર્સને તાકીદ કરાઈ છે કે બ્રિટિશ રાજના કાળથી ભારત સાથે ઐતિહાસિક સંબંધ પર આધાર રાખ્યા વિના જ ભારત સાથે તેમની રમતને આગળ વધારવી જોઈએ. સંસદીય રિપોર્ટમાં મિનિસ્ટર્સને યુકેના દ્વારા સંપૂર્ણ ખોલી નાંખવા અથવા ‘ગ્લોબલ બ્રિટન’ની સંભાવનાઓ ખતમ કરવાની ચેતવણી પણ અપાઈ છે. તેમાં ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે બહેતર વિઝા અને ઈમિગ્રેશન નીતિઓ થકી ભારત સાથે સંબંધોના નવનિર્માણની હિમાયત કરાઈ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘ભારત સાથે યુકેના તાજેતરના સંબંધોની કથા મુખ્યત્વે ગુમાવાયેલી તક જ છે. યુકે આપણા અર્થતંત્રમાં પ્રદાન આપનારા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. સરકારે ભારતીયો યુકેનો પ્રવાસ ખેડે, અભ્યાસ કરે અથવા નોકરી કરે તેને સરળ બનાવવાના વ્યવહારું પગલાં લેવાં જોઈએ.

ફોરેન એફેર્સ કમિટીના અધ્યક્ષ અને ટોરી સાંસદ ટોમ ટુગેન્ડહાટે જણાવ્યું હતું કે,‘ યુકે જ્યારે ઈયુ છોડવાની તૈયારીના ક્રોસરોડ પર આવી ઉભું છે ત્યારે યુકે-ઈન્ડિયા સંબંધોને નવેસરથી વ્યાખ્યા સાથે નવસર્જન માટે આ રિપોર્ટના તારણો પર અમલ કરવામાં આવે તે માટે હું નવા વડા પ્રધાન પર અવશ્ય દબાણ કરીશ.’

સર્વપ્રથમ ઈન્ડિયા ડે

બે દેશો વચ્ચે સંબંધોની મજબૂતીને આગળ વધારવામાં વર્તમાન સમયનું વિશેષ મહત્ત્વ છે. ઈન્ડિયા ડે કાર્યક્રમમા ચીફ ગેસ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ અમ્બર રડે FAC રિપોર્ટના તારણોથી વિપરીત ભારપૂર્વક કહ્યું હતું કે યુકે ભારતનું ‘અચળ મિત્ર’ છે. થેરેસા મે પછી જે કોઈ નવા વડા પ્રધાન બનશે તેમના એજન્ડામાં ભારત સાથે દ્વિપક્ષી સંબંધોનું પ્રાધાન્ય રહેશે. તેમણે બંને દેશોના દ્વિપક્ષી સંબંધોની ઉજવણી માટે ઈન્ડિયા ઈન્ક. દ્વારા આયોજિત ‘યુકે-ઈન્ડિયા વીક’નો આરંભ કરાવ્યો હતો. યુકેના ફોરેન સેક્રેટરી અને વડા પ્રધાન પદના ઉમેદવાર જેરેમી હન્ટે પણ ‘યુકે-ઈન્ડિયા વીક’ને બે દેશ વચ્ચેના સંબંધની વૃદ્ધ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું.

પાર્લામેન્ટ ખાતે ઈન્ડિયા ડે કાર્યક્રમની યજમાની યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયા, બંને દેશોના નીતિઘડવૈયાઓ, શાસક કન્ઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષ લેબર પાર્ટીએ કરી હતી.

મિસિસ ઘનશ્યામે જણાવ્યું હતું કે,‘ ઈન્ડિયા ડે અને યુકે-ઈન્ડિયા વીક ભારત સાથે સારાં સંબંધો માટે યુકેમાં પ્રવર્તતી ઈચ્છાનું પ્રતિબિંબ છે. યુકેમાં ભારતીય બિઝનેસીસનો રસ મજબૂત છે તે હાલના પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ના આંકડા દર્શાવે છે. બ્રેક્ઝિટ હોય કે ન હોય, બિઝનેસ કરવા માટે યુકે સારું સ્થળ હોવાનો વિશ્વાસ છે.’

લોર્ડ ગઢિયાએ કહ્યું હતું કે,‘યુરોપીય યુનિયનની બહાર યુકે માટે ઉજ્જવળ ભવિષ્ય હોવાની હિમાયત કરનારા કોઈ પણ માટે ભારત સાથે યુકેના સંબંધ લિટમસ ટેસ્ટ છે. જો આપણે બિઝનેસ માટે મુખ્ય ભાષા અંગ્રેજી, એકસમાન કાનૂની વ્યવસ્થા તેમજ યુકેના ભારતીય ડાયસ્પોરાના ૧.૫ મિલિયન સભ્યોનો ‘જીવંતસેતુ’ છે તેવા સૌથી મોટા કોમનવેલ્થ દેશનો વિશ્વાસ જીતી ન શકીએ તો બ્રેક્ઝિટના લાભ કેવી રીતે મેળવી શકીશું?’

યુકે-ઈન્ડિયા સપ્તાહમાં બંને દેશો વચ્ચે રોકાણોની તક શોધવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે, જેમાં બકિંગહામશાયરના લાટિમેર હાઉસમાં લીડરશિપ સમિટ મુખ્ય છે. લંડનમાં શુક્રવારે યુકે-ઈન્ડિયા એવોર્ડ્સ સાથે સમાપન કરાશે.

ભારત-યુકેની નિકટતામાં અગ્રેસર મહિલાઓ

ભારત અને યુકેને નિકટ લાવવામાં અગ્રેસર રહેલી ૧૦૦ મહિલાની યાદી પાર્લામેન્ટમાં ઈન્ડિયા ડેના સમાપન દિવસે હાઉસ ઓફ કોમન્સમાં લોન્ચ કરાઈ હતી. સૌપ્રથમ વખત સંપૂર્ણપણે મહિલાઓની આ યાદીમાં બંને દેશના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન થકી સંબંધોને વધુ મજબૂત બનાવનારા ભારતના ફાયનાન્સ અને કોર્પોરેટ એફેર્સ પ્રધાન નિર્મલા સીતારામન, યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ પેની મોરડાઉન્ટ, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ, ટેકયુકેના પ્રમુખ જેક્વેલિન દ રોજાસ, માઈઓરાના સ્થાપક અને સીઈઓ જાન્હવી દાદરકર, યુકે-ઈન્ડિયા પ્રેક્ટિસના પાર્ટનર અને વડા નિશા કારાવાડ્રા, આહ્લાવત એન્ડ એસોસિયેટ્સ, ગ્રેટર બર્મિંગહામ ચેમ્બર ઓફ કોમર્સના ઈન્ટરનેશનલ પ્રોગ્રામ્સના વડા રુપી નાન્દ્રા, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાઉથ એશિયા સેન્ટરના એસોસિયેટ પ્રોફેસર અને ડાયરેક્ટર મુકુલિકા બેનર્જી, બ્લુ ડોટ એડવાઈઝરીના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર દર્શિતા ગિલિઝ, મન્ચ, બ્રોડકાસ્ટર, જર્નાલિસ્ટ અને બાયોગ્રાફર અનિતા આનંદ તેમજ ફિલ્મ અને ટેલિવિઝન દિગ્દર્શક ગુરિન્દર ચઢ્ઢાનો સમાવેશ થયો છે.

આ યાદીના લોન્ચિંગ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે,‘હું આ સરકારમાં રહ્યો તે સંપૂર્ણ સમયમાં અમે આપણા આ બે મહાન રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સંબંધોને આગળ વધારવા સતત પ્રયાસ કર્યા છે... અને આપણે હંમેશાં વધુ કરતા રહીશું.. બ્રિઝનેસ સેક્રેટરી તરીકે અમે ભારત અને યુકે વચ્ચે વધુ બિઝનેસ અને વેપારસંબંધોને આગળ વધારવા સખત મહેનત કરી છે. કોમ્યુનિટી સેક્રેટરી તરીકે આ દેશમાં ભારતીય ડાયસ્પોરાના મહાન યોગદાનને વધાવ્યું છે અને હોમ સેક્રેટરી તરીકે ભારત સાથે અમારા સંબંધોની ઓળખ આપતી નવી ઈમિગ્રેશન સિસ્ટમના નિર્માર્ણની તક ઝડપીશું. આ મિત્રતા તૂટે તેવી નથી અને તેને આગળ વધારવા હું તમામ કરી છૂટીશ.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે,‘વિશ્વ અરસપરસ સંકળાયેલું છે ત્યારે વૈશ્વિક ભાગીદારીનું વિશેષ મહત્ત્વ છે. આ યાદીની મહિલાઓ બે મહાન દેશોને સાથે લાવવામાં કાર્યરત છે ત્યારે યુકે અને ભારતના ભવિષ્ય માટે વિશાળ ગર્ભિત ક્ષમતા ધરાવે છે. મને કહેતાં ગૌરવ થાય છે કે બિઝનેસથી માંડી રાજકારણ, કળાથી માંડી સાહિત્યના ક્ષેત્રોમાં મહિલાઓ સહકાર અને સંબંધો થકી મજબૂત ભાગીદારીને આગળ વધવાનો માર્ગ મોકળો બનાવી રહી છે. આ અદ્ભૂત પહેલ માટે હું ઈન્ડિયા ઈન્ક.ને અભિનંદન આપું છું.’

ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ જણાવ્યું હતું કે,‘આ વર્ષની યાદી તૈયાર કરવાનો આનંદ છે. આજના વિશ્વમાં મોટા ભાગની યાદીઓમાં પુરુષોનું પ્રભુત્વ જોવાં મળે છે, જેમાં સ્ત્રીઓનો ક્રમ બીજો અથવા તો હોતો જ નથી. આ યાદીમાં પસંદ કરાયેલી મહિલાઓ યાદીમાં સ્થાન કરતાં પણ વિશેષ છે. તેઓ આપણા બે દેશો વચ્ચેના સંબંધોના કેન્દ્રમાં છે અને યુગમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. આપણી વિજયી ભાગીદારીના ભવિષ્ય માટે આપણે તેમના તરફ જ નિહાળવાનું છે.’

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter