ભારત અને યુકેના સંરક્ષણ મંત્રીઓએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરી

બંને દેશ સંરક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરવા સહમત

Tuesday 21st January 2025 09:41 EST
 
 

લંડનઃ ભારત અને યુકેના સંરક્ષણ મંત્રીઓએ ગયા સપ્તાહમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહકારની સમીક્ષા કરતાં વોરશિપ્સ અને જેટ એન્જિન માટેના ઇલેક્ટ્રીક પ્રોપલ્શન જેવા મહત્વના મામલાઓમાં સધાયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને યુકેના સંરક્ષણ મંત્રી જ્હોન હીલી વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિ જાળવી રાખવા સહમત થયાં હતાં. બંને નેતાએ એકબીજાની તાલીમ સંસ્થાઓમાં મિલિટરી ઇન્સ્ટ્રક્ટરની આપલે અંગે ચાલી રહેલા કાર્યક્રમની પણ સમીક્ષા કરી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુકે હાલ ઇન્ડો પેસિફિક રિજિયન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. બંને દેશ સાથે મળીને કામ કરવાની સંભાવનાઓ ચકાસશે અને વર્ષ 2025માં મેરીટાઇમ સહકાર વધારવા પ્રયાસ કરશે.

ભારત સાથે વેપાર કરાર મુદ્દે ફેબ્રુઆરીમાં મંત્રણાના પ્રારંભની સંભાવના

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર લાંબા સમયથી સ્થગિત થયેલી મંત્રણા ફેબ્રુઆરીમાં શરૂ થવાની સંભાવના છે. જાન્યુઆરી 2022માં વેપાર કરાર પર શરૂ થયેલી મંત્રણામાં અત્યાર સુધીમાં 14 રાઉન્ડ યોજાયા છે. મંત્રણા સ્થગિત થવા પાછળ ભારત અને ત્યારબાદ યુકેમાં યોજાયેલી સંસદની ચૂંટણીઓને કારણભૂત ગણાવવામાં આવી હતી. જોકે જુલાઇ 2024માં લેબર પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા પછી પણ હજુ સુધી મંત્રણાનો પ્રારંભ કરાયો નથી.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મંત્રણા શરૂ કરવા માટે પરસ્પર સુવિધાજનક તારીખો અંગે સમીક્ષા ચાલી રહી છે. ભારતના અધિકારીઓ યુરોપિયન સંઘ સાથે પણ વેપાર કરાર માટે મંત્રણા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 10 રાઉન્ડ યોજાઇ ચૂક્યાં છે અને 10થી 14 માર્ચ સુધી મંત્રણા ચાલે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter