લંડન
યુનાઇટેડ કિંગડમ અને ભારતની લશ્કરી ટુકડીઓએ ગયા સપ્તાહમાં ગુરુવારથી સેલિસબરીના મેદાનોમાં અજેય વોરિયર 2023 યુદ્ધ કવાયત શરૂ કરી હતી. બે સપ્તાહ ચાલનારી આ યુદ્ધ કવાયત અજેય વોરિયરની સાતમી એડિશન છે. આ યુદ્ધ કવાયતમાં યુકેની 2 રોયલ ગોરખા રાયફલ્સ અને ભારતની બિહાર રેજિમેન્ટના જવાનો ભાગ લઇ રહ્યાં છે. બિહાર રેજિમેન્ટના જવનો ઇન્ડિયન એરફોર્સના સી-17 હવાઇજહાજ દ્વારા બુધવારે બ્રિઝ નોર્ટન ખાતે પહોંચ્યા હતા.
અજેય વોરિયર યુકે અને ભારત વચ્ચેની દ્વિપક્ષીય ટ્રેનિંગ કવાયત છે જે વારફરથી બંને દેશમાં યોજાય છે. છેલ્લી કવાયત ઓક્ટોબર 2021માં ઉત્તરાખંડના ચૌબતિયા ખાતે યોજાઇ હતી. આ કવાયત દરમિયાન બંને દેશની લશ્કરી ટુકડીઓ યુદ્ધની વિવિધ સ્થિતિમાં પોતાની કામગીરીની ચકાસણી કરશે અને ટેક્ટિકલ ડ્રિલ્સમાં સુધારા કરશે જેથી બંને દેશની સેનાઓ વચ્ચે સંકલન સાધી શકાય.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસર આ યુદ્ધ કવાયતનો હેતૂ હકારાત્મક લશ્કરી સંબંધોનું નિર્માણ, એકબીજાની શ્રેષ્ઠ યુદ્ધ પદ્ધતિઓની જણકારી અને સાથે મળીને યુદ્ધ લડવાની ક્ષમતા વિકસાવવાનો છે. યુદ્ધ કવાયત ભારત અને યુકે વચ્ચેના સંરક્ષણ સહકારનું વધુ એક નોંધપાત્ર પગથિયું છે. તેના દ્વારા બંને દેશ વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બનશે.


