જુલાઇ 2024માં યુકેના વડાપ્રધાનપદ પર આરૂઢ થયા બાદ પહેલીવાર સર કેર સ્ટાર્મર 8 ઓક્ટોબર મંગળવારના રોજ ભારતની સૌપ્રથમ સત્તાવાર મુલાકાત માટે રવાના થયા હતા. વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં 200 જેટલા વિવિધ સેક્ટરના નિષ્ણાતો, સંગઠનો અને મીડિયાના પ્રતિનિધિઓ, બિઝનેસના સીઇઓ અને યુનિવર્સિટીના ચાન્સેલરોનું પ્રતિનિધિમંડળ પણ મુંબઇમાં 8-9 ઓક્ટોબરના રોજ યોજનાર 6ઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લેશે. વડાપ્રધાન સ્ટાર્મર મુંબઇમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. બંને દેશના નેતા બિઝનેસ લીડર્સ સાથે પણ મંત્રણાઓ કરશે.
2016માં તત્કાલિન વડાંપ્રધાન થેરેસા મેની ભારત મુલાકાત પછી 9 વર્ષમાં પહેલીવાર યુકેના વડાપ્રધાન સાથે આટલું મોટું પ્રતિનિધિમંડળ પણ સત્તાવાર મુલાકાતમાં સામેલ થઇ રહ્યું છે. સ્ટાર્મરની સાથે કેબિનેટના સભ્યો, ફિનટેક, એજ્યુકેશન, કલ્ચર, મીડિયા, બિઝનેસ જેવા સેક્ટરોના પ્રતિનિધિઓ ભારત મુલાકાતમાં સામેલ થઇ રહ્યાં છે. સ્ટાર્મરના આગમનની તૈયારીઓ કરવા માટે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર પહેલા જ ભારત પહોંચી ગયાં છે.
વડાપ્રધાન સ્ટાર્મર ભારત રવાના થાય તે પહેલાં 6 ઓક્ટોબરના સોમવારના રોજ હાઇ કમિશનના ગાંધી હોલ ખાતે આયોજિત સમારોહમાં ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ અને સાંસદોએ સ્ટાર્મર સાથે ભારત જઇ રહેલા કેટલાક ડેલિગેટ્સ સાથે મુલાકાત કરી હતી. આ સમારોહમાં લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ ક્રિશ રાવલ, સાંસદ વેલેરી વાઝ, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા અને કેટલાક સ્થાનિક કાઉન્સિલરો સામેલ થયાં હતાં. વડાપ્રધાન સ્ટાર્મર સાથે ભારત જઇ રહેલા પ્રતિનિધિમંડળમાં લોર્ડ બિલિમોરિયા અને લોર્ડ ગઢિયા પણ સામેલ થઇ રહ્યાં છે.
ભારતના વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર 9 ઓક્ટોબરે સ્ટાર્મર અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાશે જેમાં ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારી માટેના વિઝન 2035 પર થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. બંને નેતાઓ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.
બંને દેશ વચ્ચે આગામી પાંચ વર્ષમાં વેપાર બમણો થવો જોઇએઃ લોર્ડ કરણ બિલિમોરિયા
ગુજરાત સમાચાર-એશિયન વોઇસ સાથેની વાતચીતમાં લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં પહેલીવાર યુકેના વડાપ્રધાનના નેતૃત્વમાં આટલું મોટું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે જઇ રહ્યું છે. આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષરને 3 મહિના થઇ ગયા છે ત્યારે બ્રિટન ભારતને કહી શકે છે કે અમે બિઝનેસ કરવા માગીએ છીએ. બંને દેશ વચ્ચેનો વેપાર આગામી પાંચ વર્ષમાં બમણો થવો જોઇએ.
એઆઇ અને ઉભરતી ટેકનોલોજી જેવા સેક્ટરોમાં પ્રગતિ થશેઃ કનિષ્કા નારાયણ
યુકેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિનિસ્ટર અને લેબર સાંસદ કનિષ્કા નારાયણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સ્ટાર્મરની આ મુલાકાત એઆઇ અને ઉભરતી ટેકનોલોજી જેવા સેક્ટરોમાં પ્રગતિ કરાવશે. ટેકનોલોજી અને અન્ય મહત્વના સેક્ટરોમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોનો અસામાન્ય પાયો નંખાઇ ચૂક્યો છે. સ્ટાર્મરની મુલાકાત તેને વધુ વેગ આપશે.


