લંડનઃ લેબર પાર્ટીના વડા કેર સ્ટાર્મરે ભારત અને લેબર પાર્ટી વચ્ચે વર્ષોથી પ્રવર્તતા તણાવને દૂર કરી સંબંધો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા દેશ સાથેના સંબંધોની જાળવણીમાં મારી પાર્ટીએ ભૂલો કરી છે. જો આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તામાં આવશે તો અમે ભારત સાથે ગાઢ સંબંધો બનાવીશું.
જમ્મુ-કાશ્મીરના મુદ્દે લેબર પાર્ટીએ અપનાવેલા વલણના કારણે લેબર પાર્ટીના નવી દિલ્હી સાથેના સંબંધોમાં ખટાશ આવી હતી અને બ્રિટિશ ભારતીય મતદારો પણ લેબર પાર્ટીથી અંતર રાખવા લાગ્યા હતા. બ્રિટિશ ભારતીયોનો એવો પણ આરોપ છે કે લેબર પાર્ટી પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયો સાથેના સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
યુકે-ઇન્ડિયા વીકને સંબોધન કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં લેબર પાર્ટીની એવી છાપ ઊભી થઇ હતી કે તે તેના સમર્થનની જરૂર હોય તેવા સમુદાયોની જ કાળજી લે છે. પરંતુ લેબર પાર્ટી સમજી શકી છે કે દરેક સમુદાયના કામકાજી લોકોને સફળતા, પ્રોત્સાહન અને સુરક્ષાની જરૂર હોય છે.


