લંડનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિરોધી પગલાં લેવાની એકપણ તક ચૂકી રહ્યાં નથી પરંતુ સાથે સાથે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંબંધો હોવાની પીપૂડી પણ વગાડી રહ્યાં છે. યુકેની સત્તાવાર મુલાકાત દરમિયાન પણ તેમણે ભારત સાથેના ગાઢ સંબંધોનો દાવો કર્યો હતો.
વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે પત્રકારોને સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી નજીક છું અને ભારત સાથેના અમેરિકી સંબંધો ઘણા ગાઢ છે. મેં નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને ફોન પર વાત પણ કરી હતી. અમારી વચ્ચેના સંબંધ ઘણા સારા છે અને તેમણે પણ સારો પ્રતિભાવ આપ્યો છે. તેમ છતાં મેં ભારત પર પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે નરેન્દ્ર મોદી ઘણું સારું કામ કરી રહ્યાં છે. આ માટે હું તેમનો આભાર માનુ છું.
ટ્રમ્પનું ભારત-પાક. યુદ્ધ અટકાવ્યાનું રટણ હજુ ચાલુ જ છે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો જશ ખાટવાની એકપણ તક ડોનાલ્ડ ટ્રમ્પ જતી કરી રહ્યા નથી. વિશ્વના ગમે તે મંચ પરથી તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાનું રટણ સતત કરી રહ્યાં છે. યુકેની મુલાકાત દરમિયાન પણ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે સાત યુદ્ધ અટકાવ્યાં જેમાં મોટાભાગનામાં સમાધાન શક્ય નહોતું. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ અટકાવ્યું. અમે તેમને સીધી ચેતવણી આપી હતી કે જો યુદ્ધ નહીં અટકાવો તો અમારી સાથેનો વેપાર ભૂલી જજો.


