ભારત અને હિન્દુ વિરોધી રિપોર્ટિંગ માટે બીબીસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું

બીબીસીની હિન્દુ અને ભારતીય વિરોધી માનસિકતા સામે આવેદનપત્ર અપાયું

Wednesday 02nd November 2022 05:01 EDT
 
 

લંડન

બ્રિટનમાં વસતા ભારતીય હિન્દુ સમુદાય માટે 29 ઓક્ટોબર શનિવારનો દિવસ સીમાસ્થંભરૂપ બની રહ્યો. ભારતીય હિન્દુ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી ભારત અને હિન્દુ વિરોધી પ્રોપેગેન્ડા ચલાવવા માટે બીબીસીના મુખ્યમથક સામે દેખાવો કર્યાં હતાં અને બીબીસીના ડિરેક્ટર જનરલને આવેદનપત્ર આપ્યું હતું. ભારત અને હિન્દુ વિરોધી નકારાત્મક મંતવ્યો માટે બીબીસી વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ બીબીસીના પેઢીઓથી ચાલ્યા આવતા ભારત અને હિન્દુ વિરોધી રિપોર્ટિંગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

બીબીસીના નકારાત્મક પત્રકારત્વ સામે જાગૃતિ ફેલાવવા ભારતીય સમાજના તમામ વર્ગોના 200થી વધુ લોકોએ કલાકો સુધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ એક મૌન વિરોધ પ્રદર્શન હતું અને તેમાં કોઇ પ્રકારની આક્રમકતા કે નારાબાજી પ્રદર્શિત કરાઇ નહોતી. બીબીસીના કર્મચારીઓ અને લંડન મેટ પોલીસ દ્વારા આ વિરોધ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું.

દેખાવોના આયોજકોની પેનલમાં સામેલ વિવેક કૌલ, નિતિન મેહતા, સતિશ શર્મા, રિદ્ધી વ્યાસ અને ડો. સ્નેહ સન્નીએ બીબીસીના એક્ઝિક્યુટિવ ફ્રાન્સ વાન દેર મેરવેને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમણે આ મામલામાં ઘટતું કરવા હિન્દુઓના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી.

બીબીસીના ડિરેક્ટર જનરલ સમક્ષ કરાયેલી રજૂઆત

-       છેલ્લા 18 વર્ષથી બીબીસી દ્વારા હિન્દુ વિરોધી રિપોર્ટિંગ બદતર બન્યું છે

-       લેસ્ટરની હિંસામાં બીબીસીએ હિન્દુ વિરોધી રિપોર્ટિંગ કરીને પક્ષપાતી વલણ અપનાવ્યું હતું

-       બીબીસી દ્વારા હિન્દુ વિરોધી હેટ ક્રાઇમ છાવરવામાં આવી રહ્યાં છે જેની વૈશ્વિક સ્તરે નિંદા થઇ છે

-       બીબીસી હિંસા માટે હિન્દુઓને જવાબદાર ગણાવી લેસ્ટરના કટ્ટરવાદી મુસ્લિમોને બચાવી રહી છે

-       બીબીસીના ભારત અને હિન્દુ વિરોધી પ્રોપેગેન્ડાનો વિરોધ કરવા અમે આ દેખાવો કર્યાં છે

-       બીબીસી હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમારા વિરોધ પ્રદર્શનો યોજાતા રહેશે

-       અગાઉ અમે કરેલી રજૂઆતો પર ધ્યાન ન અપાતાં અમને દેખાવો કરવાની ફરજ પડી રહી છે

-       બીબીસી હિન્દુ વિરોધી માનસિકતા સાથે રિપોર્ટિંગ કરે છે જે તેના ચાર્ટરની વિરુદ્ધ છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter