લંડનઃ લંડનમાં ઇન્ડિયા હાઉસના ગાંધી હોલ ખાતે 26-11ના મુંબઇ આતંકવાદી હુમલાની વરસી પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત સમારોહમાં યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આતંકવાદના આ પ્રકારના જધન્ય કૃત્યો પ્રત્યે ભારતનું વલણ હંમેશા ક્યારેય ભૂલો નહીં, ક્યારેય માફ ન કરો અને ક્યારેય પુનરાવર્તન ન થવા દો તે રહેશે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારત ઘણા લાંબાસમયથી આતંકવાદથી પીડિત છે. ભારત ક્યારેય આતંકવાદી હુમલાને ભૂલશે નહીં, આતંકવાદીઓને ક્યારેય માફ નહીં કરે અને આ પ્રકારના આતંકવાદી હુમલાનું ક્યારેય પુનરાવર્તન થવા દેશે નહીં. આતંકવાદને ડામવા માટે ભારતે ઘણા પ્રયાસો કર્યા છે અને કેટલાક વર્ષોથી નેવર અગેઇન પોલિસી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ કે ભારત આતંકવાદી કૃત્યોને જરાપણ સાંખી લેશે નહીં.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો અને ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના સભ્યો હાજર ર્યાં હતાં. સાંસદો કેથરિન વેસ્ટ, વિરેન્દ્ર શર્મા, લોર્ડ રેમી રેન્જર પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યાં હતાં.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતનું સ્પષ્ટ વલણ કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે. મને લાગે છે કે આતંકવાદ સામેની લડાઇનો ઉકેલ લાવવાનો પહેલા ક્યારેય ન કરાયો હોય તેવો આ પ્રારંભ છે.
આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારા દેશોને શરમ આવવી જોઇએઃ લોર્ડ રેમી રેન્જર
આતંકવાદ સામેની લડાઇમાં ભારત દ્વારા લેવાઇ રહેલાં પગલાંને યુકેના સાંસદો દ્વારા બિરદાવવામાં આવ્યાં હતાં. પાડોશી દેશો દ્વારા ભારતમાં કરાતા આતંકવાદી હુમલા પર લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, તેમને પોતાના પર શરમ આવવી જોઇએ. તેમણે આતંકવાદ પર નહીં પરંતુ તેમની ભાવિ પેઢીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.


