લંડનઃ ભારતના નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026ને સંબોધન કરતાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ભારત પશ્ચિમી દેશોથી વિપરિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પ્રત્યે પ્રચંડ આશાવાદ ધરાવતો દેશ છે. પશ્ચિમમાં એઆઇ માટે જાહેર લાગણીઓની ચિંતા સેવવામાં આવે છે. ભારતનું વલણ ટેકનોલોજીમાં આવી રહેલા પરિવર્તન અને જોખમ સામે પશ્ચિમ કરતાં અલગ જ છે.
સુનાકે જણાવ્યું હતું કે, વિશ્વમાં એઆઇ પ્રત્યે અલગ અલગ વલણ જોવા મળી રહ્યાં છે. આ અસંતુલનને દૂર કરવા માટે ટેકનિકલ પ્રગતિની સાથે નીતિગત હસ્તક્ષેપની જરૂર પડશે. મને લાગે છે કે આત્મવિશ્વાસમાં રહેલા તફાવતને દૂર કરવો જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, ભારતની વધતી ભુમિકા વૈશ્વિક એઆઇ લેન્ડસ્કેપમાં તેના વ્યૂહાત્મક મહત્વને પ્રતિબિંબત કરે છે. ભારત વ્યાપક ડિજિટલ મહત્વાકાંક્ષા અને ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેકનોલોજી અપનાવવાની પ્રબળ ઇચ્છા તેને એઆઇના નેતૃત્વ પરિવર્તનના આગામી તબક્કામાં લઇ જાય છે.
એઆઇ બધું કરી શકે પરંતુ દિલ્હીની ટ્રાફિક સમસ્યા દૂર કરી શકે નહીઃ સુનાકનો કટાક્ષ
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત AI ઈમ્પેક્ટ સમિટ'માં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થતાં તેમણે દિલ્હીના ટ્રાફિક અંગે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ઘણી સમસ્યાઓ ઉકેલી શકે છે, પરંતુ તે દિલ્હીના ટ્રાફિકને ઓછો કરી શકે તેમ નથી. સેશન મોડું શરૂ થવા બદલ માફી માંગતા તેમણે રમુજી અંદાજમાં સ્વીકાર્યું કે મોડું થવા પાછળનું કારણ શહેરની ભીડભાડ હતી. ટ્રાફિક પરના આ કટાક્ષ છતાં તેમણે AI ક્ષેત્રે ભારતની પ્રગતિના મન ભરીને વખાણ કર્યા હતા.


