લંડનઃ ભારતમાં પંજાબ નેશનલ બેન્કનું હજારો કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી બ્રિટન નાસી ગયેલો નીરવ મોદી યેન કેન પ્રકારે ભારત ખાતેનું પ્રત્યર્પણ અટકાવવાના હથકંડા અજમાવી રહ્યો છે. ગયા સપ્તાહમાં લંડનની કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ મોદીએ જણાવ્યું હતું કે, તેને આશા છે કે તે વર્ષો નહીં તો મહિનાઓ સુધી તો ઇંગ્લેન્ડમાં રહેશે. હજુ પણ એવી અદાલતી પ્રક્રિયાઓ ચાલી રહી છે જે તેના ભારત ખાતેના પ્રત્યર્પણને અટકાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદીની પ્રત્યર્પણ સામેની અપીલ નકારી કાઢવામાં આવી હતી પરંતુ તેણે હજુ તેને ફટકારવામાં આવેલ 1,50,247 પાઉન્ડના દંડ પૈકીની રકમ ભરી નથી. આ મામલે ઇસ્ટ લંડનની બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.
સુનાવણીમાં નીરવ મોદીએ જણાવ્યું હતું કે, તેને ડિસેમ્બર 2022માં અપાયેલા આદેશની નકલ મળી છે અને તે દર મહિને દંડની રકમ પેટે 10,000 પાઉન્ડ ભરી શકે છે. તેણે અત્યાર સુધીમાં 80,000 પાઉન્ડ ભરી દીધાં છે અને હજુ 70,247 પાઉન્ડનો દંડ ચૂકવવાનો બાકી છે.
ડિસેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની પ્રત્યર્પણ સામેની અપીલને નકારી કાઢી હતી. ત્યારબાદ તેને 28 દિવસમાં ભારત ખાતે પ્રત્યર્પિત કરી દેવાનો હતો પરંતુ આજ દિન સુધી તેનું પ્રત્યર્પણ શક્ય બન્યું નથી.
નીરવ મોદીએ તે જેલમાં શા માટે છે તેવા જજના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તે દંડની બાકી રકમના કારણે અહીં નથી પરંતુ અન્ય કોઇ બાબત છે. મને રિમાન્ડ પર રખાયો છે, મને કોઇ મામલામાં દોષી ઠેરવવામાં આવ્યો નથી. ભારત સરકારની પ્રત્યર્પણની અપીલના કારણે મને જેલમાં રખાયો છે. પ્રત્યર્પણ માટે મારી ધરપકડ કરાઇ હતી. કેટલીક કાર્યવાહી ચાલી રહી હોવાથી મારું પ્રત્યર્પણ અટકી ગયું છે. આ માટે મને રિમાન્ડ પર રખાયો છે.
નીરવ મોદીએ જણાવ્યું હતું કે, મારી સ્થિતિની સમીક્ષા ક્યારે થશે તેની મને જાણ નથી. એવું પણ બની શકે કે હું મહિનાઓ કે પછી વર્ષો સુધી અહીં રહું.


